મોદી સરકારને ઈંધણના ભાવ ઘટાડા પર ધ્યાન આપવા શિવસેનાની સલાહ

મોદી સરકારને ઈંધણના ભાવ ઘટાડા પર ધ્યાન આપવા શિવસેનાની સલાહ
સેલિબ્રિટીઝ મૌન કેમ?  અમારા પ્રતિનિધિ તરફથી   મુંબઈ, તા. 22 : ઈંધણના વધતા ભાવના મુદ્દે શિવસેનાએ સોમવારે કેન્દ્ર સરકારને ટાર્ગેટ બનાવી હતી અને કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર માટે ફંડફાળો ભેગો કરવાને બદલે કેન્દ્ર સરકારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં લેવા માટે પગલાં લેવા જોઈએ.   ઈંધણના વધતા ભાવ અંગે બૉલીવૂડની હસ્તીઓના મૌનનો મુદ્દો પણ શિવસેનાએ સોમવારે ઉપાડ્યો હતો. શિવસેનાના સાથીપક્ષ કૉંગ્રેસે પણ આ મુદ્દો થોડા દિવસ પહેલા ઉઠાવેલો.   મુખપત્ર સામનાના અગ્રલેખમાં શિવસેનાએ કહ્યું હતું કે ઈંધણના ભાવ ઘટશે તો રામભક્તોને અન્ન મળશે. ભાવ ઘટશે તો ભગવાન રામ પણ પ્રસન્ન થશે.આવશ્યક ચીજોના ભાવને નિયંત્રણમાં રાખવાની સરકારની જવાબદારી છે. ભાજપને જ્યારેને ત્યારે આંદોલન કરવાની ટેવ છે, પણ ઈંધણના ભાવવધારાના મુદ્દે એ કેમ ચૂપ છે એ સમજાતું નથી. આ ભાવવધારા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગલી સરકારોને દોષી ગણવતી હોય એવું લાગે છે.   શિવસેનાએ કહ્યું હતું કે મનમોહન સિંઘની સરકાર વખતે ઈંધણના ભાવવધારા સામે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારે પોતાનો મત વ્યક્ત કરેલો. હવે જ્યારે પેટ્રોલના ભાવ રાજસ્થાનમાં 100નો આંકડો પાર કરી ગયો છે ત્યારે આ અભિનેતા હવે કેમ ચૂપ છે. વાસ્તવમાં એ ચૂપ નથી, પણ તેમને ચૂપ કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ એવો થયો કે 2014 પહેલાં દેશમાં વાણી સ્વાતંત્ર્યતા હતી. કોઈ પોતાનો મત કરે તો તેમને દેશદ્રોહની કલમ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવતા નહોતા. આજે વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવી છે. એટલે અમિતાભ અને અક્ષય કુમાર ચૂપ છે એમાં તેમનો કોઈ વાંક નથી. આપણે ખોટી રીતે તેમના પર આરોપો કરીએ છીએ.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer