માર્ચથી વરિષ્ઠ નાગરિકોના વૅક્સિનેશન માટે કેન્દ્રની તૈયારી

માર્ચથી વરિષ્ઠ નાગરિકોના વૅક્સિનેશન માટે કેન્દ્રની તૈયારી
રાજ્યોને કોરોના રસીકરણ વેગીલું કરવા સૂચના  નવી દિલ્હી, તા. 22 : દેશમાં કોરોનાને નાથવા માટે વરસની શરૂઆતથી જ છેડાયેલા રસીકરણ અભિયાન હેઠળ એક કરોડથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે. હવે બીજાં ચરણમાં માર્ચથી વરિષ્ઠ નાગરિકોને રસી અપાશે.  આ ચરણમાં 27 કરોડ લાભાર્થીના બે સમૂહ વિભાજિત કરી એક જૂથને વિનામૂલ્યે રસી અપાશે. જ્યારે બીજા જૂથે રસી માટે ખર્ચ કરવો પડશે.  બીજા દોરમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા અપાશે. લાભાર્થી મતદાર યાદી મુજબ જ્યાં રહે છે તે સિવાયનું રાજ્ય પણ પસંદ કરી શકશે.  સરકાર એ નક્કી કરશે કે કયા સમૂહને મફતમાં રસીનો લાભ આપવો. નોંધણી વખતે લાભાર્થીઓને ખબર પડશે કે તેઓ વિનામૂલ્યે રસીકરણને પાત્ર છે કે નહીં.  સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ચના પ્રથમ સપ્તાહથી જ રસીકરણના બીજાં ચરણની શરૂઆત થશે.  જાત નોંધણી પ્રક્રિયા દરમ્યાન લાભાર્થીઓ દ્વારા અપાતી તેમની જાણકારીની મતદાર યાદી અને આધારકાર્ડની વિગતોના આધારે તપાસ કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું.  દરમ્યાન, કેન્દ્રીય આરોગ્ય સચિન રાજેશ ભૂષણે રાજ્યોને રસીકરણની ગતિ વધારવા સાથે અઠવાડિયામાં કમસેકમ ચાર દિવસ રસીકરણ કરવાની સૂચના આપતો એક પત્ર લખ્યો છે.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer