કોલસા કૌભાંડમાં તપાસથી નારાજ મમતા દીદી ફરી મોદીના કાર્યક્રમમાં ન ગયાં

કોલસા કૌભાંડમાં તપાસથી નારાજ  મમતા દીદી ફરી મોદીના કાર્યક્રમમાં ન ગયાં
સીબીઆઈએ અભિષેક બેનરજીનાં સાળીની પૂછપરછ કરી કોલકતા,તા.22: કોલસા કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહીથી પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમસાણ મચી ગયું છે. સીબીઆઈની એક ટીમ આજે મુખ્યમંત્રી મમતા બેનરજીનાં ભત્રીજા અભિષેક બેનરજીની સાળીનાં ઘરે પહોંચી હતી અને આશરે ત્રણેક કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તો બીજીબાજુ સીબીઆઈની નોટિસ ઉપર અભિષેકની પત્નીએ પોતાનો જવાબ આપવા માટે એક દિવસનાં સમયની માગણી કરી છે. આ ઘટનાક્રમોથી ઉશ્કેરાયેલા મમતા બેનરજીએ આજે બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો.  સીબીઆઈની બે મહિલા અધિકારીઓ દ્વારા આજે અભિષેકની પત્ની રુઝિરાની બહેન મેનકાની બંધ બારણે ત્રણેક કલાક સુધી લાંબી પૂછપરછ કરી હતી. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે માસમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ કાર્યવાહીને તેની સાથે સાંકળીને જોવામાં આવી રહી છે.  વિધાનસભાની ચૂંટણીનાં ગરમ થતાં માહોલ વચ્ચે ભાજપનાં દિગ્ગજ નેતાઓની અવરજવર પણ રાજ્યમાં વધી ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટૂંકાગાળામાં જ ફરી એકવાર આજે બંગાળનાં પ્રવાસ પહોંચ્યા હતાં. આજે હુગલીમાં આયોજિત એક કાર્યક્રમમાં મોદીએ ઘણી નવી યોજનાઓની શરૂઆત કરી હતી. જો કે વડાપ્રધાનનાં કાર્યક્રમમાં હાજરી મુખ્યમંત્રીની હાજરીનો પ્રોટોકોલ હોવા છતાં ભાજપ સામે ઉશ્કેરાયેલા મમતા બેનરજી તેમાં સામેલ થયા નહોતાં.   આ પહેલા પણ વડાપ્રધાન સાથે મમતા મંચસ્થ થયા હતાં ત્યારે પ્રેક્ષકોમાંથી જય શ્રીરામની નારાબાજીથી મમતા બેનરજી ક્રોધિત થઈ ગયા હતાં અને તેમણે ભાષણ આપવાનો જ ઈનકાર કરી દીધો હતો.    Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer