પાલિકા ક્વૉરન્ટાઇન સેન્ટર ફરી શરૂ કરી રહી છે

30 ટકા જેટલા કોવિડ આઇસીયુ બેડ ભરાયા
મુંબઈ, તા 23 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે, કોવિડ-19ના દરદીઓ માટે બનાવાયેલા 1559 ઇન્ટેન્સિવ કેર યુનિટ બેડમાંથી હાલ 30 ટકા બેડનો ઉપયોગ થઈ રહ્યો છે. એ સાથે તેમણે દાવો કર્યો હતો કે બેડ્સ ઉપલબ્ધ છે અને કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે અૉકટોબર મહિનામાં બંધ કરાયેલા ક્વૉરન્ટાઇન અને આઇસોલેશન સેન્ટર ફરી ખોલવાનો નિર્ણય સોમવારે લેવાયો છે.
પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલે સોમવારે અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. એમાં આગામી દિવસોમાં કેસમાં ભારે વધારો નોંધાય તો કમ્યુનિટી હૉલ, સ્પોર્ટ્સ સેન્ટર્સ અને જરૂર પડયે નાના નર્સિંગ હૉમને કોવિડ સેન્ટરમાં બદલવા ક્વૉરન્ટાઇન અને આઇસોલેશન  સેન્ટર્સ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. એ સાથે ખાનગી લૅબોરેટરીને રિપોર્ટ સીધો દરદીને આપવાને બદલે એ પહેલાં પાલિકાને મોકલવા જણાવ્યું હતું.
કાકાણીએ કહ્યું કે છેલ્લા આઠ દિવસમાં આઇસીયુમાં દાખલ કરાયેલા દરદીઓની સંખ્યામાં આંશિક વધારો થયો છે. ડિસમ્બર-જાન્યુઆરીમાં કેસની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આઇસીયુમાં ભરતી થયેલા દરદીઓની સંખ્યા પણ ઘટી હતી. ખાનગી અને સરકારી મળી 1559 આઇસીયુ બેડમાંથી 568 બેડ ભરાયેલા છે.
Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer