મહારાષ્ટ્રમાં છ દિવસે કેસમાં ઘટાડો : નાગપુર, અકોલામાં નિયંત્રણો મુકાયા

મુંબઈ, તા. 23 : છેલ્લા છ દિવસથી કોરોનાના કેસમાં રોજ વધારો જોવા મળ્યા બાદ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં સોમવારે મામુલી ઘટાડો જોવા મળ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ રવિવારે ટેસ્ટિંગ ઓછું થયું હોવાથી કેસના આંકડામાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. જોકે વિદર્ભમાં કોરોનાના કેસમાં ઘણો વધારો થયો હોવાથી ત્યાં કડક પગલાં લેવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયામાં સૌથી ઓછા 5210 કેસ નોંધાયા હતા, તો 18 જણ મૃત્યુ પામ્યાં હતાં. આને પગલે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 21,06,094 પર પહોંચી છે, જ્યારે 51,506 જણ મૃત્યુ પામ્યાં હતાં. મુંબઈમાં 761 લોકોનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જે છેલ્લા ચાર દિવસનો સૌથી ઓછો આંકડો છે. ચાર વ્યક્તિ મૃત્યુ પામી હતી. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,19,889 થઈ છે. મૃત્યુ પામેલાનો આંકડો 11,450 પર પહોંચ્યો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ મુંબઈ સર્કલમાં નોંધાયા છે. એમએમઆરમાં 1364 કેસ નોંધાયા છે. ત્યાર બાદ અકોલા સર્કલમાં 1154, નાગપુર રિજન 946 કેસ સાથે ત્રીજા ક્રમાંક પર રહ્યું હતું. મહાપાલિકાઓમાં નાગપુર અને અમરાવતીમાં અનુક્રમે 643 અને 555 કેસ નોંધાયા હતા.
અમરાવતી, નાગપુરના પાલક પ્રધાન નીતિન રાઉતે 23 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ, કૉચિંગ ક્લાસીસ, રિસોર્ટ અને અઠવાડિક શાકભાજી માર્કેટ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. એ સાથે લગ્ન, રિસેપ્શન, સાંસ્કૃતિક અને રાજકીય કાર્યક્રમોને પણ 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.
Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer