લોકલ પર નિયંત્રણની વિચારણા

લોકલ પર નિયંત્રણની વિચારણા
મુંબઈ, તા. 23 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફરી લૉકડાઉન જોઇતું ન હોય તો નિયમોનું પાલન કરો એમ જણાવવાની સાથે આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. એ સાથે લૉકડાઉન ટાળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ છ પર્યાય રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પર્યાયને મંજૂરી મળી તો લોકલના પ્રવાસ પર ફરી પ્રતિબંધ આવી શકે છે. વર્ક ફ્રોમ હોમ શરૂ થશે અને બજારો પૂર્ણપણે ખૂલશે નહીં. આ પર્યાય સ્વીકારવામાં આવે તો લૉકડાઉનનો નવો અવતાર પુરવાર થઈ શકે છે. આમ છતાં આ લૉકડાઉન આર્થિક રીતે નુકસાનીનું નહીં હોય.
મુંબઈમાં કોરોનાના દરદીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ વધારો રોકવા માટે લોકલની ભીડને નિયંત્રણમાં લાવવી એ એકમાત્ર ઉપાય છે, પરંતુ તાજેતરમાં શરૂ થયેલી લોકલ ફરી બંધ કરવી સામાન્ય મુંબઈગરાના નોકરી-ધંધાને ધ્યાનમાં લેવામાં આવે તો એ શક્ય નથી. આને કારણે જ લૉકડાઉન ટાળવા માટે છ વૈકલ્પિક પર્યાયની ફોર્મ્યુલા તૈયાર કરી છે.
રાજ્ય સરકારે આ પર્યાય સ્વીકારીને રેલવે બોર્ડને મોકલવા માટે પાલિકા પ્રશાસન રાજ્ય સરકાર સાથે ટૂંક સમયમાં ચર્ચા કરશે. પાલિકાએ સૂચવેલા પર્યાય માન્ય કરવામાં આવ્યા તો લોકલની ભીડમાં 50થી 60 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે એવો વિશ્વાસ પાલિકાના વરિષ્ઠ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.
આ પર્યાયને કારણે નાગરિકોને તેમની નોકરી ગુમાવવી નહીં પડે. તો બીજી બાજુ લોકલની ભીડને નિયંત્રણમાં લાવી શકાશે એવી સ્પષ્ટતા અધિકારીઓએ કરી હતી. પાલિકા પ્રશાસને જે સૂચનો કર્યા છે એમાં અૉફિસમાં હાજરી અનિવાર્ય હોય એવા કર્મચારીને પ્રવાસ કરવાની મંજૂરી આપવી. ઘરેથી જ અૉનલાઇન કામ કરવાની સુવિધા આપવા પર ભાર આપવો. સરકારી-અર્ધસરકારી મહાપાલિકા, ખાનગી અૉફિસના કર્મચારીઓની સંખ્યા ઓછામાં ઓછી 15 દિવસ માટે 50 ટકા જેટલી કરવી. લોકલની ટિકિટનું વેચાણ પૂર્ણપણે બંધ કરવું. અૉનલાઇન ટિકિટ અને માસિક પાસ પર પ્રતિબંધ મૂકવો. એટલે આવશ્યકતા સિવાય કોઈ પ્રવાસ કરે નહીં. દુકાનનો સમય બદલવો. સમ અને વિષમ સંખ્યા મુજબ દુકાનો ખોલવામાં આવે તો બજારોમાં ભીડમાં ઘટાડો થશે અને સંસર્ગનો વેગ ઘટાડવામાં સહાયરૂપ બનશે અને વસઈ-વિરાર, કલ્યાણ-ડોંબિવલી, અંબરનાથ, બદલાપુર, કસારા, કર્જત, પાલઘર, નવી મુંબઈથી મુંબઈ સુધી પ્રવાસ કરવા એસટીની બસોને પરવાનગી આપવી. આને કારણે લોકલના પ્રવાસનો મર્યાદિત પર્યાય થઈ શકે એમ પાલિકાને લાગી રહ્યું છે.
જોકે કોરોનાના વધતા કેસને કારણે લોકલના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જણાઈ રહ્યું છે. કારણ, ઉપનગરીય રેલવે રૂટ પર પ્રવાસીઓની સંખ્યામાં લગભગ બે લાખ પ્રવાસીઓનો ઘટાડો થયો છે. 1 ફેબ્રુઆરીથી સામાન્ય નાગરિકો માટે સમયમર્યાદાના પાલન સાથે લોકલમાં પ્રવાસ કરવાની સુવિધા આપવામાં આવ્યા બાદ લોકલની ભીડમાં ભારે વધારો થયો છે, પરંતુ રાજ્ય સરકારે ફરી લૉકડાઉનનું અલ્ટીમેટમ આપતા ભીડમાં ઘટાડો થવા લાગ્યો છે.
Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer