બીજી ટી-20 મૅચમાં કાંગારું સામે કિવિઝનો ચાર રને રોમાંચક વિજય

ડુનેડિન, તા.25: આક્રમક ઓપનર માર્ટિન ગુપ્ટિલના 50 દડામાં 8 છક્કા અને 6 ચોક્કાની આતશી 97 રનની ઇનિંગની મદદથી ન્યુઝિલેન્ડે બીજા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર રને રોમાંચક જીત મેળવી હતી અને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી હતી. ન્યુઝિલેન્ડે પહેલો દાવ લઇને 7 વિકેટે 219 રનનો જંગી જુમલો ખડક્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં 113 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી.  આ પછી માર્કસ સ્ટોઇનિસે 37 દડામાં 78 રનની ઇનિંગ રમી હતી અને ડેનિયલ સેમ્સના સાથે માત્ર 37 દડામાં 92 રનની ભાગીદારી કરીને મેચ રોચક બનાવી દીધો હતો. સેમ્સે 15 દડામાં 41 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને આખરી ઓવરમાં 15 રનની જરૂર હતી.  કિવિ કેપ્ટન કેન વિલિયમ્સને દડો જેમ્સ નિશમને સોંપ્યો. તેણે પહેલા દડા સેમ્સએ આઉટ કર્યો. પછીના બે દડામાં સ્ટોઇનિસ રન કરી શકયો નહીં.   જો કે ચોથા દડા પર તેને છક્કો ફટકાર્યો. આથી ઓસિ.ને આખરી બે દડામાં જીત માટે 9 રનની જરૂર હતી ત્યારે સ્ટોઇનિસ વધુ એક છક્કાના ચક્કરમાં બાઉન્ડ્રી લાઇન પર સાઉધીને કેચ આપીને આઉટ થયો હતો. આથી ઓસ્ટ્રેલિયાનો 4 રને પરાજય થયો હતો. સ્ટોઇનિસે 37 દડામાં પ છક્કાથી 78 રનની ઇનિંગ રમી હતી. આ વિજયથી ન્યુઝિલેન્ડે પે મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી છે. આ પહેલા કિવિઝ તરફથી ગુપ્ટિલના 97 રન અને કેપ્ટન કેન વિલિયમ્સને 53 રન કર્યા હતા. બન્ને વચ્ચે બીજી વિકેટમાં 131 રનની ભાગીદારી થઈ હતી જ્યારે નિશમે ધૂંઆધાર 45 રનની ઇનિંગ માત્ર 16 દડામાં રમી હતી. જેમાં 6 છક્કા હતા.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer