મોટેરાની ટર્નિંગ પીચ પર ભારતની દસ વિકેટે શાનદાર જીત

મોટેરાની ટર્નિંગ પીચ પર ભારતની દસ વિકેટે શાનદાર જીત
ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 17 વિકેટ પડી: મૅન અૉફ ધ મૅચ અક્ષર પટેલની કુલ 11 વિકેટ અમદાવાદ, તા.25: મોટેરાની પિચ પર ગુલાબી દડો ગરિયો બનીને ઘૂમી રહ્યો હતો. જેને પહેલા ભારતીય અને પછી ઇંગ્લેન્ડના બેટધરો પારખી શકયા ન હતા. જો કે બીજા દાવમાં ભારતે 49 રનનો વિજય લક્ષ્યાંક આક્રમક બનીને માત્ર 7.4 ઓવરમાં વિના વિકેટે પાર પાડીને ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યોં હતો. રોહિત શર્મા 25 દડામાં 3 ચોક્કા-1 છક્કાથી 25 રને અને શુભમન ગિલ 15 રને નોટઆઉટ રહ્યા હતા. આ પહેલા આજે ભારતનો પહેલો દાવ 145 રને સમાપ્ત થયો હતો. આથી 33 રનની મહત્વની સરસાઇ મળી હતી. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમનો અક્ષર-અશ્વિનની ફિરકી સામે બીજા દાવમાં 81 રનમાં ધબડકો સર્જાયો હતો. અક્ષરે 5 અને અશ્વિને 4 વિકેટ લીધી હતી.  આ પહેલા આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નવી-નવેલી પિચ પર ઘૂમતા દડા સામે ઇંગ્લેન્ડની ટીમ અક્ષર અને અશ્વિનની સ્પિન જોડી સામે બીજા દાવમાં પણ ઘૂંટણિયે પડી ગઇ હતી. ઇંગ્લેન્ડના બીજા દાવનો આજે ડે-નાઇટ ટેસ્ટના ડિનર ટાઇમ પહેલા જ 30.4 ઓવરમાં 81 રનમાં સંકેલો થઇ ગયો હતો. આથી ભારતને ફકત 49 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો.  અક્ષર પટેલે અદભૂત સ્પિન બોલિંગનું પ્રદર્શન કરીને બીજા દાવમાં 32 રનમાં પ વિકેટ લીધી હતી. તેના નામે મેચમાં કુલ 11 વિકેટ થઇ હતી. આજે તેણે ઇનિંગની પહેલી ઓવરમાં જ બે વિકેટ લઇને તહેલકો મચાવી દીધો હતો. જયારે અશ્વિને 48 રનમાં 4 વિકેટ લઇને તેની ટેસ્ટ કેરિયરની 400 વિકેટ પૂરી કરી હતી. સુંદરે ફકત ચાર દડા ફેંકયા હતા અને 1 વિકેટ પોતાના નામે કરી હતી.  ઇંગ્લેન્ડની બીજો દાવ મોટેરાની ટર્નિંગ વિકેટ પર પત્તાના મહેલની માફક વિખેરાય ગયો હતો. અક્ષર અને અશ્વિનની સ્પિન જાળમાં ઇંગ્લેન્ડના બેટસમેનો આબાદ ફસાયા હતા અને તેમની વિકેટની ભેટ આપતા રહ્યા હતા. સ્ટોકસે સૌથી વધુ 25 રન કર્યાં હતા. તો સુકાની રૂટ 19 રને આઉટ થયો હતો. તે ફરી અશ્વિનનો શિકાર બન્યો હતો. જયારે ઓલિ પોપે 12 રન કર્યાં હતા. આ ત્રણ ઇંગ્લીશ બેટધર જ બે આંકડે પહોંચી શકયા હતા. ઇંગ્લેન્ડના ચાર બેટસમેન બેયરસ્ટો, ક્રાઉલી, આર્ચર અને એન્ડરસને મીંડા મુકાવ્યા હતા. આથી ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 30.4 ઓવરમાં 81 રનમાં ખખડી ગઇ હતી.  આજે બીજા દિવસના પ્રારંભે ભારતીય ટીમ તેના પહેલા દાવમાં ગઇકાલના 3 વિકેટે 99 રનના સ્કોરમાં મામૂલી 46 રનનો વધારો કરીને ઓલઆઉટ થઇ હતી. આમ છતાં ભારતને મોટેરાની મુશ્કેલ વિકેટ  પર 33 રનની મહત્વની સરસાઇ મળી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન અને પાર્ટ ટાઇમ સ્પિનર જો રૂટે ચમત્કારિ બોલિંગ કરીને માત્ર 8 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જયારે જેક લિચને 54 રનમાં 4 વિકેટ મળી હતી.  ભારત તરફથી સૌથી વધુ 66 રન રોહિત શર્માએ કર્યાં હતા. તેણે 96 દડાની ઇનિંગમાં 11 ચોકકા લગાવ્યા હતા. ભારતની આજે બીજા દિવસે મોટેરાની ખતરનાક ટર્નિંગ વિકેટ પર ખરાબ શરૂઆત રહી હતી અને ચાર રનના ઉમેરામાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.  ઓવરઓલ ભારતની આખરી 7 વિકેટે 31 રનમાં ડૂલ થઇ હતી. આથી પૂરી ભારતીય ટીમ 53.2 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઇ હતી.   રાહણે 7, પંત 1, અશ્વિન 17 અને સુંદર –અક્ષર ઝીરોમાં આઉટ થયા હતા. ઇશાંત 10 રને અણનમ રહ્યો હતો.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer