સોનામાં નરમાઈ- ચાંદીમાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી   રાજકોટ, તા. 25 : કિંમતી ધાતુઓના ભાવ ઉંચા મથાળેથી પટકાયા હતા. અમેરિકી ટ્રેઝરી યીલ્ડ 1 વર્ષની ટોચ ઉપર પહોંચતા સોનામાં સલામત રોકાણની ખરીદીમાં ઓટ આવતા 1792 ડોલરની સપાટીએ રનીંગ હતુ. જોકે ડોલરના મૂલ્યમાં નરમાઇ ચાલુ રહી હતી.  છતાં ફેડરલ રિઝર્વ દ્વારા અનુકૂળ નાણાનીતિ અપનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા ઘટાડો ઘણો મર્યાદિત રહ્યો હતો. લાંબા સમયથી વધી રહેલા બોન્ડના યીલ્ડ સોનાની તેજીને તોડી પાડવામાં સફળ નીવડ્યા છે. તેની અસરથી ભાવ દિનપ્રતિદિન ઘસાય રહ્યા છે. ચાંદીનો ભાવ પણ 27.94 ડોલરની સપાટીએ રહ્યો હતો.   અમેરિકાના ટ્રેઝરી યીલ્ડમાં એક વર્ષની નવી ઉંચી સપાટી ગઇકાલે જોવા મળી હતી. એ કાણે સોનામાં વેચવાલી હતી. એ કારણે અમેરિકાના 1.9 ટ્રીલીયન ડોલરના કોરોના વાઇરસ પેકેજની પણ કોઇ અસર દેખાતી નથી. ચાલુ સપ્તાહમાં પેકેજ કોંગ્રેસમાં પસાર થઇ જાય તેવી શક્યતા છે. જાણકારો કહે છે, સોનાની મંદીનો આ આખરી તબક્કો છે. હજુ થોડો ઘટાડો ટૂંકાગાળામાં આવે તો પણ લાંબાગાળે તેજીનું ધ્યાન છે.   અમેરિકી ફેડ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતુ કે, અર્થવ્યવસ્થા જ્યાં સુધી પૂર્ણકક્ષાએ વિકાસના રસ્તે દોડવા ન લાગે ત્યાં સુધી નાણા નીતિમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. અલબત્ત ઇન્વેસ્ટરોનું સેન્ટિમેન્ટ હજુ ઘટાડાનું છે. સૌથી મોટાં ગોલ્ડ ઇટીએફની સોનાની અનામતો મે 2020 પછીના તળિયે પહોંચી ગઇ છે. ફંડોની વેચવાલી વધી ગઇ છે. રોકાણકારો પણ સોનામાં ઘટાડે ખરીદી કરવા ઇચ્છે છે એટલે હાલ માગ ઓછી છે. જાણકારોના મતે નવા ક્વાર્ટર સુધી સોનાના ભાવમાં વેચવાલીનો દોર રહેશે એ કારણે બજાર સાઇડ વે રહેવાની સંભાવના છે.   રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 300ના ઘટાડામાં રુ. 48100 અને ચાંદીનો ભાવ એક કિલોએ રુ. 700 વધીને રુ. 70000 હતો. મુંબઇમાં સોનું 10 ગ્રામે રુ. 392ના ઘટાડામાં રુ. 46466 અને ચાંદી રુ. 999 વધીને રુ. 70225 હતી.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer