બે ટેલિકૉમ લાઇન એકસાથે બંધ થતાં એનએસઈમાં બ્રેકડાઉન થયું હતું

બે ટેલિકૉમ લાઇન એકસાથે બંધ થતાં એનએસઈમાં બ્રેકડાઉન થયું હતું
ટેલિકૉમ કંપનીઓની ડેટા પાઇપ્સ મુંબઈથી ચેન્નાઇ ટ્રાન્સફર થઈ ગઈ મુંબઇ,  તા. 25 : વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ્સ એક્સ્ચેન્જ - નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઇ)માં ગઇકાલે સરજાયેલી ટેક્નિકલ ખામી પાછળનાં કારણ શોધવામાં આવી રહ્યાં છે અને પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે એનએસઇને સર્વિસ આપતી બે ટેલિકૉમ કંપનીઓ - ભારતી ઍરટેલ અને તાતા કૉમ્યુનિકેશન બંનેના સેવા પુરવઠામાં એકસાથે ક્ષતિ નિર્માણ થઇ હતી.   એનએસઇનું કૅશ સેગ્મેન્ટ ગઇકાલે સવારે 11.40 કલાકે ઠપ થઇ ગયું હતું અને સવા ચાર કલાક બાદ ટ્રેડિંગ ફરી શરૂ થઇ શક્યું હતું. આ ઘટનાના પગલે માર્કેટ નિયામક સેબીએ એનએસઇને સૂચના આપી હતી કે એક્સ્ચેન્જનું કામકાજ શા માટે ડિઝાસ્ટર રિકવરી સાઇટમાં સ્થળાંતરિત થઇ શક્યું નહીં તેની તપાસ કરવામાં આવે.   એક્સપાઇરીના આગલા દિવસે આ ખામી સરજાતાં બિઝનેસ ઉપર મોટી અસર પડી હતી અને તેને દૂર કરવા માટે એનએસઇના એન્જિનિયર્સ સતત વ્યસ્ત હતા, જ્યારે તેમને ખબર થઇ કે તેમની લીઝ લાઇન ડેટા પાઇપ્સ ટ્રાન્સફર થઇ શકતી નથી ત્યારે તેમણે સમગ્ર સિસ્ટમ રિસ્ટાર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.  નવાઇની વાત તો એ હતી કે તાતા અને ભારતી ઍરટેલ બંનેની લાઇન એકસાથે બંધ પડી હતી અને તે મુંબઇથી સાઉથમાં ચેન્નાઇ ટ્રાન્સફર થઇ ગઇ હોવાનું આ તપાસ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer