અૉટો ઉદ્યોગ સ્થાનિક માલ નહીં અપનાવે તો ઇમ્પોર્ટ ડયૂટી વધારવામાં આવશે

કેન્દ્ર સરકારનું અૉટો ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર થવાનું અલ્ટિમેટમ નવી દિલ્હી, તા. 25 : અૉટો ઉદ્યોગ દ્વારા સ્થાનિક ઉત્પાદનોની ખરીદીને મહત્ત્વ નહીં આપે તે તેમના દ્વારા આયાત થનારી વસ્તુઓ ઉપર ઉંચી કસ્ટમ્સ ડ્યૂટી લાદવામાં આવશે, એવી ચેતવણી કેન્દ્રના માર્ગ પરિવહન અને એમએસએમઇ મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ આજે આપી હતી. આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ કરવા માટે આયાત ઘટાડી સ્થાનિક ઉત્પાદનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો, અૉટો ઉદ્યોગ આમ નહીં કરે તો આયાતી વસ્તુઓ ઉપર વધુ ઇમ્પોર્ટ ડયૂટી લાદવામાં આવશે, એમ ગડકરીએ અૉટો ઉદ્યોગને અલ્ટિમેટમ આપતાં જણાવ્યું હતું. અૉટોમોટિવ કૉમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (એસીએમએ) દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ટેક્નૉલૉજી સમિટને સંબોધતાં ગડકરીએ આયાત ઘટાડી નિકાસ વધારવાની હિમાયત કરી હતી. ગુણવત્તા અને ખર્ચમાં બાંધછોડ કર્યા વગર દેશનો અૉટો ઉદ્યોગ આ લક્ષ્ય હાંસલ કરી શકે તેમ છે, એમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય બજેટમાં અૉટોમોટિવ પાર્ટ્સની આયાત ઉપર 15 ટકા ડયૂટી લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમાં ડ્રાઇવ ટ્રાન્સમિશન્સ, ચેસીસ, બ્રેક્સ અને સ્ટીયરિંગની આયાત ઉપર ઇમ્પોર્ટ ડયૂટી વધારવા માટે આ પ્રસ્તાવ રજૂ થયો છે જેથી ચીનથી આયાત ઘટાડી શકાય અને સ્થાનિક ઉત્પાદન વધી શકે. નાણાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ એવા પાર્ટ્સ છે જે ભારતમાં આસાનીથી બની શકે અને તેની આયાત અટકે તો સ્થાનિક અૉટો ઉદ્યોગો આત્મનિર્ભર ભારત અભિયાન અને મેક ઇન ઇન્ડિયાના લક્ષ્યને સિદ્ધ કરી શકે તેમ છે. દેશનો અૉટો ઉદ્યોગ સંપૂર્ણપણે સ્થાનિક માલ વડે પોતાની જરૂરિયાત સંતોષી શકે તેવી ક્ષમતા ધરાવે છે, અત્યારે સ્થાનિક માલનો 70 ટકા ઉપયોગ થાય છે અને બાકીના 30 ટકા માલની આયાત થાય છે. અૉટો ઉદ્યોગને મારી અપીલ છે કે તેઓ આ ક્ષમતાને 100 ટકા સુધી લઇ જાય, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું. જૂનાં વાહનો ભંગારવાડે કાઢવાની પૉલિસી વિશે તેમણે કહ્યું કે આ નીતિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ નીતિ આવ્યા બાદ આશરે એક કરોડ જર્જરિત વાહનોને ભંગારમાં નાખવા માટે માર્ગ મોકળો થશે અને તે વાહનોના માલિકોને નવા વાહનની ખરીદી સમયે પ્રોત્સાહનો આપવામાં આવશે. Published on: Fri, 26 Feb 2021