નાણાં વર્ષ 2022માં જીડીપી વિકાસ દર 13.7 ટકા થઈ શકે : મૂડીસ

આ નાણાં વર્ષના નેગેટિવ અંદાજને પણ ઘટાડયો નવી દિલ્હી, તા. 25 : રેટિંગ્સ એજન્સી મૂડીસે 1 એપ્રિલથી શરૂ થતાં નવા નાણાં વર્ષ દરમિયાન દેશના જીડીપીનો વૃદ્ધિ દર અગાઉના 10.8 ટકાથી વધારીને 13.7 ટકા થવાનો અંદાજ બાંધ્યો છે. કોવિડ- 19 વૅક્સિનનો અમલ શરૂ થવાની સાથે આર્થિક સ્થિતિમાં થઇ રહેલા ઝડપી સુધારા અને મૂડી બજારમાં રોકાણકારોના સતત વધી રહેલા વિશ્વાસના કારણે મૂડીસે તેના અગાઉના અંદાજમાં સુધારણા કરી છે. જોકે, આ નાણાં વર્ષમાં એજન્સીએ જીડીપીના વિકાસ દરમાં થનારા ઘટાડાના આંકડામાં પણ સુધારણા કરી છે. જીડીપીના વિકાસ દરમાં આ નાણાં વર્ષના અંતે 10.6 ટકાનો ઘટાડો થવાની ધારણા અગાઉ મૂડીસે વ્યક્ત કરી હતી અને હવે તેને સુધારીને 7 ટકા કરી છે. મૂડીસના ઇન્વેસ્ટર્સ સર્વિસના ઍસોસિયેટ એમડી (સોવરિન રિસ્ક) જેની ફેન્ગના જણાવ્યા મુજબ ભારતના અર્થતંત્રમાં થઇ રહેલા ઝડપી સુધારાના પગલે આ બંને અંદાજમાં સુધારણા કરવામાં આવી છે.મૂડીસ અને ઇકરા દ્વારા સંયુક્તરીતે આયોજિત અૉનલાઇન કૉન્ફરન્સ - ઇન્ડિયા ક્રેડિટ આઉટલૂકમાં તેમણે આ વિશે માહિતી આપી હતી. જોકે, વધતી રાજકોષીય ખાધના કારણે સરકારને તેના કરજનો બોજ ઘટાડવામાં મધ્યમ ગાળામાં સંઘર્ષ કરવો પડશે, એમ મૂડીસે આગળ જણાવ્યું હતું. ઇકરાના પ્રિન્સિપાલ ઇકોનોમિસ્ટ અદિતી નાયરે કહ્યું કે અૉક્ટોબર - ડિસેમ્બરના ગાળામાં જીડીપીના વિકાસ દરમાં 0.3 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. Published on: Fri, 26 Feb 2021