પૂજા ચવ્હાણે ગર્ભપાત પણ કરાવેલો : ભાજપ

પુણે, તા. 25 : પુણેમાં આઠ ફેબ્રુઆરીના આપઘાત કરનાર પૂજા ચવ્હાણના પ્રકરણમાં રાજ્યના શિવસેનાના વનપ્રધાન સંજય રાઠોડ શંકાના ઘેરામાં આવ્યા છે. ભાજપનો આક્ષેપ છે કે સંજય રાઠોડના પૂજા ચવ્હાણ સાથે સંબંધ હતા.   હવે ભાજપના મહિલા પ્રમુખ ચિત્રા વાઘે એવો આક્ષેપ કર્યો છે કે પૂજા ચવ્હાણે તાજેતરમાં યવતમાળમાં ગર્ભપાત કરાવેલો. પૂજાનો ગર્ભપાત કરાવનાર ડૉક્ટર એકાએક રજા પર ઊતરી જાય અને બે દિવસ બાદ પૂજાનો ફ્લેટમેટ અરુણ રાઠોડના ઘરમાં ચોરી થાય એવો યોગાનુયોગ મેં ક્યારેય જોયો નથી.   ભાજપે આ મુદ્દે એકદમ આક્રમક વલણ અપનાવ્યું છે. ચિત્રા વાઘે આજે પૂજાએ જે બિલ્ડિંગમાંથી છલાંગ લગાવીને આપઘાત કરેલો એ સ્પોટની મુલાકાત પણ લીધી હતી.   તેમણે પત્રકારોને કહ્યું હતું કે પૂજાનો યવતમાળની જે હૉસ્પિટલમાં ગર્ભપાત થયો ત્યારે એક ડૉક્ટર ફરજ પર હતા, પણ તરત જ તેમની જગ્યાએ બીજા ડૉકટર આવ્યા અને તેમણે પૂજાનો ગર્ભપાત કરાવ્યો. બીજા દિવસે તેમની માતા માંદા પડ્યા અને એ ડૉક્ટર આઠ દિવસની રજા પર ઊતરી ગયા. એના બે દિવસ પછી અરુણ રાઠોડના ઘરમાં ચોરીની ઘટના બની. આવો ભયાનક યોગાનુયોગ મેં જોયો નથી.   તેમણે કહ્યું હતું કે યવતમાળની જે હૉસ્પિટલમાં પૂજાનો ગર્ભપાત થયો હતો એની માહિતી મેં યવતમાળના એસપીને આપી છે. બીજા ડૉક્ટરને હૉસ્પિટલમાં શું કામ બોલાવવામાં આવેલા?  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer