રિક્ષા, ટૅક્સીનો ભાડાવધારો મુલતવી રાખવા ગ્રાહક પંચાયતની માગણી

મુંબઈ, તા. 25 : રિક્ષા અને ટૅક્સીના ભાડામાં વધારો બધાંને અસર કરશે. ભાડાવધારાને લીધે રિક્ષા, ટૅક્સીના ચાલકો અને માલિકોને તો નુકસાન થશે જ ગ્રાહકો પણ એમાં પીસાશે. આથી આ ભાડાવધારો છ મહિનાથી એક વર્ષ સુધી મુલતવી રાખવાની  માગણી મુંબઈ ગ્રાહક પંચાયતે કરી છે.  રાજ્ય સરકારે રિક્ષા અને ટૅક્સીના ભાડાના દરમાં અનુક્રમે 2.01 રૂપિયાનો અને 2.09 રૂપિયાનો દર વધારો સૂચવ્યો છે. પહેલી માર્ચથી આ દરવધારો લાગુ પડશે. પણ એને લીધે રિક્ષા અને ટૅક્સી ચાલકો-માલિકોની મુશ્કેલીમાં હજી વધારો થશે. ગ્રાહકો પર આર્થિક બોજો નાખતો આ નિર્ણય છે. આથી આ દર વધારો કરવાને બદલે મુંબઈ ગ્રાહક પંચાયતે ત્રણ પર્યાય સૂચવ્યા છે. ગ્રાહક પંચાયતના કાર્યાધ્યક્ષ ઍડવોકેટ શિરીષ દેશપાંડેએ જણાવ્યું હતું કે રિક્ષા અને ટૅક્સીના દરમાં પાંચ વર્ષથી વધારો થયો નથી. આથી એ કરવું જરૂરી હતું. પણ આના વિપરિત પરિણામ આવશે. કોરોના સંકટને લીધે ગ્રાહકો આર્થિક મુશ્કેલીમાં છે. હવે તેઓ રિક્ષા, ટૅક્સીનો ઉપયોગ જ નહીં કરે. આથી વાહનચાલકો વધુ મુશ્કેલીમાં આવશે.  ત્રણ વિકલ્પ સૂચવ્યા   હ ભાડાવધારો પહેલી માર્ચને બદલે છ મહિના મુલતવી રાખવો.  હ અથવા પહેલી માર્ચથી એક વર્ષ માટે મૂળ ભાડામાં એક રૂપિયો અને પછી દરેક કિલોમીટર માટે 75 પૈસાનો વધારો કરવો. તેમ જ બાકીનો ભાડાવધારો એક વર્ષ પછી કરવો.  હ અથવા મૂળ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવો પરંતુ આગળના દરેક કિલોમીટર માટેને અનુક્રમે 2.01 રૂપિયા અને 2.09 રૂપિયાનો ભાડાવધારો એક વર્ષ માટે સ્થગિત કરવો એવો ત્રીજો પર્યાય છે.   આમાંથી કોઈપણ એક પ્રકારે ભાડાવધારો કરવામાં આવશે તો એ ગ્રાહકોને ભારે નહીં પડશે. તેમ જ રિક્ષા, ટૅક્સીના ચાલકો-માલિકોને પણ નુકસાન નહીં થાય, એવું મુંબઈ ગ્રાહક પંચાયતે રાજ્ય સરકારને જણાવ્યું છે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer