નીરવ મોદી : અદાલતનો આદેશ પાશેરામાં પહેલી પૂણી છે

મુંબઈ, તા. 25 : પંજાબ નેશનલ બૅન્ક સાથે રૂા. 13600 કરોડની ઠગાઈના સૂત્રધાર મનાતા નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ લંડનની એક અદાલતના ચુકાદાથી ખુલી ગયો છે. વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજે આજે નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપતાં કહ્યું કે તેમણે ભારતમાં જવાબ આપવો પડે એવો કેસ તેમની સામે છે.  નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસી સામે પંજાબ નેશનલ બૅન્કના બોગસ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ મારફત આશરે રૂા. 13600 કરોડના સોદાઓ પાર પાડવાનો આરોપ છે. આ કૌભાંડ બહાર આવ્યું તેના કેટલાક સપ્તાહો પહેલાં 18 જાન્યુઆરી 2018ના રોજ બંને જણા પરદેશ નાસી ગયા હતા.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરનો આક્ષેપ છે કે પીએનબી દ્વારા ઈશ્યૂ કરાયેલા રૂા. 6519 કરોડના બોગસ લેટર્સ અૉફ અન્ડરટેકિંગમાંથી રૂા. 4000 કરોડ પોતાની દુબાઈ અને હૉંગ કૉંગમાં આવેલી 15 બનાવટી કંપનીઓમાં ફેરવી નાંખ્યા હતાં. ઈડીએ બ્રિટનની અદાલતમાં નીરવ મોદીની વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરી હતી જેના પરથી જણાય છે કે, નીરવ મોદીએ ભારતમાં તેમના વિરુદ્ધે તપાસ ચાલતી હતી ત્યારે પુરાવા સાથે ચેડાં કર્યા હતા અને સાક્ષીઓને ધમકાવ્યાં હતાં.  સીબીઆઈની તપાસમાં જણાવ્યું છે કે પીએનબીના અધિકારીઓ 2008થી નીરવ મોદીની કંપનીઓને બોગસ એલઓયુ આપતા હતા.  નીરવ મોદી સામે (1) સીબીઆઈ દ્વારા પંજાબ નેશનલ બૅન્કના એલઓયુની છેતરપિંડી અને (2) ઈડી દ્વારા પીએનબી સાથે કરેલી છેતરપિંડીના નાણાંનુ લૉન્ડરિંગ કરવા બે કેસમાં ફોજદારી તપાસ ચાલે છે. ઈડીની ફરિયાદના આધારે તેમની સામે પુરાવા સાથે ચેડાં કરાવવાનો અને સાક્ષીઓને ભયત્રસ્ત કરાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.  નીરવ મોદીનો બચાવ છે કે મેં કશું ખોટું કર્યું નથી. લેટર અૉફ અન્ડરટેકિંગ મેળવવા એ કંપનીઓની સામાન્ય રસમ છે. તેના વકીલોની દલીલ છે કે પીએનબીના અધિકારીઓ એલઓયુ આપવામાં નીરવ મોદી સાથે મળેલા હોવાનું સીબીઆઈ કહે છે એટલે મોદી સામે છેતરપિંડીનો આરોપ ટકી શકે તેમ નથી. અદાલતે તેમનો બચાવ સ્વીકાર્યો નથી.   નીરવ મોદીની માર્ચ 2019માં ધરપકડ કરાઈ ત્યારથી તેઓ નૈઋત્ય લંડનમાં આવેલી એન્ડઝવર્થ જેલમાં છે.  બ્રિટનની અદાલતે કહ્યંુ છે કે નીરવ મોદી વિરુદ્ધ પ્રથમદર્શી કેસ છે, તેમને ભારતમાં ન્યાય મળશે એમ જણાય છે અને મુંબઈની આર્થર રોડ જેલની 12 નંબરની કોટડી તેમના વસવાટ માટે યોગ્ય છે.  આમ છતાં ભારત સરકારે હજી લાંબી લડાઈ લડવાની છે. ડિસ્ટ્રિક્ટ જજનો ચુકાદો હવે બ્રિટનનાં વિદેશમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે. તેઓ બે મહિનામાં નીરવ મોદીના પ્રત્યાર્પણનો આદેશ આપે તો નીરવ મોદી તેને હાઈ કોર્ટમાં પડકારી શકશે અને ત્યાં પણ હારી જાય તો બ્રિટનમાં આશ્રયની માગણી કરી શકે, જે વિજય માલ્યાએ કરી છે. બ્રિટન આ માગણી વિશે નિર્ણય લે ત્યાં સુધી ભારતે રાહ જોવી પડે.    Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer