પાંચ પત્નીવાળા પતિની ધરપકડ : સાત મહિના બાદ ઉજજૈનથી તાબામાં લેવાયો

મુંબઈ, તા.25 : સમતા નગર પોલીસે સાત મહિના બાદ નાગપુરના એક કરોડપતિને ઉજજૈનથી ધરપકડ કરી છે. 41 વર્ષના આરોપી અભિષેક મોકતા (નામ બદલ્યું છે) સામે ફરિયાદી પીડિતાએ દગો કરી લગ્ન કરવા, મારપીટ, અપ્રાકૃતિક યૌન ઉત્પીડન, મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડવા ઉપરાંત સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું કાવતરું ઘડવું જેવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં આરોપી સામે આઇપીસીની આઠ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.   40 વર્ષીય પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે અભિષેકની પાંચમી પત્ની છે. આ અગાઉ તે ચાર અન્ય યુવતીઓ સાથે લગ્ન કરી ચૂકયો છે, જેમાં પહેલી પત્ની સાથે છૂટાછેડા, બીજી અને ત્રીજી પત્ની ગુમ, ચોથી પત્ની કેરળમાં વકીલ છે. પાંચમી એ પોતે છે. જેની સાથે અભિષેકે પાંચમી મે 2020ના દિવસે સમાજની હાજરીમાં લગ્ન કર્યા હતા. અભિષેકે પોતે અગાઉ ચાર લગ્ન કર્યા હોવાની જાણકારી તેને ન આપતાં લગ્ન કર્યા બાદ મુંબઈથી નાગપુર લઇ ગયો હતો. ત્યાં એક બંગલોમાં તે પોતાની માતા સાથે રહે છે અને પોતાને કરોડપતિ હોવાનું જણાવે છે.   એક બૅન્કે તેની સામે છેતરપિંડીનો આરોપ મૂકયો છે. લગ્ન બાદ અભિષેકે અનેકવાર તેની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવવાના પ્રયાસ કર્યા હતા. ઇનકાર કરતાં તેની મારપીટ થતી હતી. એક મહિનામાં પીડિતા પાસેની રોકડ રકમ તેમ જ આઠ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં લઇને અભિષેકે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાની ફરિયાદ મુજબ અભિષેકે તેની ખાનગી તસવીરો યૂટયુબ પર અપલોડ કરીને તેને બદનામ કરવાની ધમકી આપી છે. કેટલાક વિડિયો તેણે અપલોડ પણ કરી નાખ્યા છે. સમતા નગર પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર સેલ તેના ઇલેક્ટ્રિક ઉપકરણોની તપાસ કરી રહી છે. આરોપીએ અત્યાર સુધી કોની કોની સાથે લગ્ન કરી છેતરપિંડી કરી છે. તેની તપાસ પણ શરૂ કરી છે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer