80-85 ટકા કેસ લક્ષણ વિહોણા

મુંબઈ માટે આગામી દસ દિવસ નિર્ણાયાત્મક : ટાસ્ક ફોર્સ મુંબઈ, તા. 25 : કોવિડના કેસોનો રાજિંદો આંકડો 119 દિવસોમાં ગુરુવારે સૌથી વધુ 1167 નોંધાયો હતો ત્યારે મૃત્યુનો દર એક આંકડાનો રહેતા (ચાર જણનાં મૃત્યુ) આશાનું કિરણ દેખાયું હતું. મુંબઈનો કુલ મૃત્યુ આંક હવે 11,458 છે.   ઈન્ટેન્સિવિસ્ટ અને રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. રાહુલ પંડિતે જણાવ્યું હતું કે, કેસોની સંખ્યામાં વધારો ચિંતાજનક છે. કેસો વધવાના 7થી 13 દિવસ બાદ ગંભીર કેસો અને મૃત્યુમાં વધારો જોવાયો છે. મુંબઈ માટે આગામી 10 દિવસ મેક ઓર બ્રેક (દ્વંદ્વ યુદ્ધ) બની રહેશે. તેમણે કહ્યું હતું કે, લગભગ બે મહિના બાદ તેમની હૉસ્પિટલમાં આઈસીયુ બિછાના માટેની પૂછપરછો બુધવારે વધી હતી.   આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે બુધવારે 21 હજારથી વધુ ટેસ્ટ કરાયા હતા. કેસો વધ્યા છે અને પૉઝિટિવ કેસોનો દર  છ ટકા છે. પરિસ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ અને તમામ જમ્બો સુવિધાઓને બિછાના ફરી સક્રિય કરવા માટે જણાવ્યું છે.   દરમિયાન, મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલે જણાવ્યું હતું કે, હાલ શહેરમાં શોધી કઢાયેલા 80થી 85 ટકા કેસો લક્ષણ વિહોણા છે. શહેરમાં લગભગ 1200 કેસ જોવામાં આવ્યા ત્યારે 83 ટકા કેસ લક્ષણ વિહોણા હતા અને કોઈ પણ ગંભીર નહોતા.   લક્ષણ વિહોણા કોઈ પણ દરદીને દાખલ નહીં કરવા ખાનગી હૉસ્પિટલોને ચહેલે આદેશ આપ્યો છે. રાજ્યમાં આશરે 78 ટકા સક્રિય કેસો હૉસ્પિટલમાં છે જ્યારે મુંબઈમાં 49 ટકા દરદી હૉસ્પિટલોમાં દાખલ કરાયા છે.   દરમિયાન, રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી જણાવાયું છે કે આગામી દિવસોમાં કેસોની સંખ્યામાં મહત્ત્વનો વધારો થવા પામે તો મેડિકલ ઓક્સિજન, રેમડેસિત્વર અને એન્ટિ-વાઈરલ ટેબ્લેટ્સનો પૂરતા પ્રમાણમાં પુરવઠો છે.   દરમિયાન રસીકરણના ત્રીજા તબક્કામાં સામાન્ય પ્રજાને પહેલી માર્ચથી રસી આપવાનું શરૂ કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, પરંતુ રાજ્યના અધિકારીઓના જણાવ્યા મુજબ તૈયારી કરવા માટે વધુ થોડા દિવસો લાગશે. એક દિવસના ત્રણ લાખ લોકોને રસી આપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer