સ્ટેડિયમના નામકરણ મુદ્દે સંજય રાઉતનું ગોળગોળ મંતવ્ય

મુંબઈ, તા. 25 : અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું એ મુદ્દે વિરોધીઓ કેન્દ્ર સરકારની અને ભાજપની ટીકા કરી રહ્યા છે. કૉંગ્રેસે પણ સરકારની જોરદાર ટીકા કરી છે. જોકે, શિવસેનાએ આ બાબતે સંયમી ભૂમિકા લીધી હોવાનું જોવા મળી રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે આ નિર્ણય ત્યાંની રાજ્ય સરકારનો છે.  સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના અને દેશના આદર્શ છે, અમારા પણ આદર્શ છે પણ વર્તમાન સમયમાં તેમના વધુ આદર્શ છે. મોટેરા સ્ટેડિયમનો નિર્ણય ત્યાંની રાજ્ય સરકારનો નિર્ણય હશે અથવા ક્રિકેટ બોર્ડનો હશે. એમાં અમે શું ભૂમિકા લઈ શકીએ.  સ્ટેડિયમને વડા પ્રધાનનું નામ આપ્યું એ જેમને ગમ્યું નથી એમણે સ્પષ્ટ રીતે બોલવું જોઈએ એવું પણ તેમણે હ્યંુ હતું.  સ્ટેડિયમની બે બાજુએ આવેલા રિલાયન્સ ઍન્ડ અને અદાણી ઍન્ડ વિશે તેમણે કહ્યું હતું કે આ બાબતે રાજકીય પક્ષ કોઈ ભૂમિકા લઈ શકે નહીં. ગુજરાતનું સ્ટેડિયમ છે, ત્યાં ભાજપની સરકાર છે. સરકારની મંજૂરી હશે અથવા ક્રિકેટ બોર્ડની મંજૂરી હશે. તેથી રાજકીય પક્ષ આ બાબતે ભૂમિકા લઈ શકે નહીં.  આ અગાઉ પણ પોતપોતાના રાજ્યમાં અનેકોએ આવા નામ આપ્યા હશે અને તેમને એ યોગ્ય લાગ્યું હશે પણ મોદી આટલા મોટા નેતા છે. હવે તો મને એ સરદાર પટેલ કરતાં પણ મોટા લાગવા લાગ્યા છે એવો ટોણો પણ તેમણે માર્યો હતો.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer