સોશિયલ મીડિયા-ઓટીટી પર સરકારની લગામ

નવા નિયમનોની આઇ.ટી., મંત્રી પ્રસાદની જાહેરાત : સોશિયલ મીડિયા મંચોએ ફરિયાદ મળ્યે 24 કલાકમાં વાંધાજનક  સામગ્રી હટાવવી પડશે : ફરિયાદ નિવારણની યંત્રણા પણ રચવી પડશે આનંદ કે. વ્યાસ તરફથી  નવી દિલ્હી, તા. 25 : કેન્દ્ર સરકારે આજે ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયાના અને નેટફ્લિક્સ-એમેઝોન સહિતના ઓટીટી પ્લેટફોર્મ પર નિયમનના નવા દિશાનિર્દેશો જારી કર્યા છે. આ તમામ મંચોએ હવે કોઈ પણ આપત્તિજનક સામગ્રીની ફરિયાદ મળ્યે સત્તાવાળાઓની સૂચના મુજબ 24 કલાકમાં એ સામગ્રી હટાવવી પડશે અને ફરિયાદ નિવારણની યંત્રણા રચી દેશમાં જ સ્થિત એવા એક અધિકારીની નિમણૂક કરવી પડશે. આ નિયમનો ત્રણ મહિનામાં લાગુ થઈ જશે.  નવી ગાઈડલાઈનો મુજબ ટ્વિટર અને વોટ્સએપ પર સત્તાવાળાઓ જેને રાષ્ટ્રવિરોધી અને દેશની એકતા અને અખંડિતતા માટે જોખમી ગણે એવા સંદેશના મૂળ એટલે કે સૌપ્રથમ કોણે એવો મેસેજ ફેલાવ્યો એની ઓળખ પણ આપવી પડશે.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 13મી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર ભ્રામક અને ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ થતી હોવાના મામલે કેન્દ્ર સરકાર અને ટ્વિટરને નોટિસ જારી કરી હતી. ડિજિટલ અને ઓનલાઈન મીડિયા સામે પહેલી વાર આવા નિયમનો લાગુ થઈ રહ્યા છે.   કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે નવી માર્ગદર્શિકાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે ડિજિટલ મીડિયાએ પણ ઈલેકટ્રોનિક મીડિયાની જેમ આત્મ નિયમન કરવું પડશે. સોશિયલ મીડિયાના બેફામ ઉપયોગ અને બનાવટી હેવાલોને લઈને ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી.  સોશિયલ મીડિયા કંપનીઓનું ભારતમાં સ્વાગત છે. અમે આલોચના માટે તૈયાર છીએ.પણ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગની ફરિયાદોના નિવારણ માટે ચોક્કસ અને યોગ્ય ફોરમ હોય એ જરૂરી છે. ભારતમાં વોટ્સએપના પ3 કરોડ, ફેસબુકના 40 કરોડથી વધુ વપરાશકારો છે અને તેનો ખૂબ ઉપયોગ થાય છે. પણ જે ચિંતાઓ દર્શાવાય છે તેના પર પણ કામ કરવું જરૂરી છે.   તેમણે કહ્યું હતું કે સુપ્રીમે અમને ગાઈડલાઈન બનાવવા જણાવ્યું હતું જેના આધારે અમે દિશાનિર્દેશો તૈયાર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યુઝર્સની ખરાઈ કરવી જોઈએ.સરકાર અત્યારે તેમાં હસ્તક્ષેપ કરશે નહીં પણ એ બાબત પ્લેટફોર્મ્સે ખુદ કરવી જોઈએ. અત્યારે સરકારને જ ખબર નથી કે કેટલા ડિજિટલ પ્લેટફોર્મ કાર્યરત છે.  સોશિયલ મીડિયાના મંચોએ હવે દર મહિને ફરિયાદો પર શી કાર્યવાહી થઈ તેની જાણકારી આપવી પડશે. અફવા ફેલાવનાર પ્રથમ વ્યક્તિ કોણ એની જાણકારી દેવી પડશે.  ઓટીટી પ્લેટફોર્મ્સ પણ કેવી રીતે પોતાની સામગ્રી તૈયાર કરે છે તેની વિગતો આપવી પડશે.તેમના નિયમન માટે પણ એક સંસ્થા બનાવવામાં આવશે જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે અન્ય કોઈ તેનું વડપણ સંભાળશે. ઈલેકટ્રોનિક મીડિયાની જેમ ડિજિટલ પ્લેટફોર્મ્સે પણ પોતાની ભૂલ પર માફી પ્રસારિત કરવી પડશે.   ઉલ્લેખનીય છે કે ભારત સોશિયલ મીડિયાનું મોટું બજાર છે અને  સ્માર્ટફોનના વેચાણમાં પણ દેશમાં નિયમિત રીતે ઉછાળો નોંધાતો રહે છે.   Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer