મહારાષ્ટ્રનું બજેટ અધિવેશન એકથી દસ માર્ચ સુધી; આઠ માર્ચે અંદાજપત્ર

મહારાષ્ટ્રનું બજેટ અધિવેશન એકથી દસ માર્ચ સુધી; આઠ માર્ચે અંદાજપત્ર
અમારા પ્રતિનિધિ તરફથી   મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્ર  વિધાનમંડળનું બજેટ સત્ર એક માર્ચથી દસ માર્ચ સુધી યોજાશે એવી જાહેરાત સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબે ગુરુવારે કરી હતી.   રાજ્યપાલનાં બન્ને ગૃહને સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે. બજેટ આઠ માર્ચના રજૂ કરાશે. પહેલા દિવસે સરકાર પૂરક માગણીઓ રજૂ કરશે. રાજ્યપાલના પ્રવચન પર બીજી માર્ચે ચર્ચા થશે. એ પછીના બે દિવસ પૂરક માગણીઓની ચર્ચા માટે અનામત રાખવામાં આવ્યા છે. વિપક્ષની અમુક દરખાસ્તો પર પાંચ માર્ચના ચર્ચા થશે અને એ દિવસે અમુક ખરડા પણ રજૂ થશે. છઠ્ઠી અને સાતમી માર્ચે શનિ-રવિ હોવાથી વિધાનમંડળ રજા પાળશે. શિવસેનાના પ્રધાન અનિલ પરબે કહ્યું હતું કે કોરોનાના હિસાબે વિપક્ષે તો માત્ર એક દિવસના બજેટ સત્રની માગણી કરેલી, પણ અમે દસ દિવસનું સત્ર રાખ્યું છે.   વિધાનમંડળની કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાંથી ભાજપે વૉક આઉટ કર્યો હતો કે કેમ એવા સવાલના જવાબમાં અનિલ પરબે કહ્યું હતું કે તેમણે વૉક આઉટ કર્યો ત્યારે માટિંગ પતી ગઈ હતી. બેઠક પતી ગઈ એ બાદ શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો ગપ્પા મારતા હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કોઈક બહાના હેઠળ વૉક આઉટની ઘોષણા કરી હતી. આ વૉક આઉટનો કોઈ મતલબ નથી. કોઈ પણ માટિંગની મિનિટ્સ તપાસી શકે છે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer