આજે વેપારીઓનો બંધ

આજે વેપારીઓનો બંધ
જીએસટી, ઇ-વે બિલના વિરોધમાં વેપારીઓનું દેશવ્યાપી આંદોલન મુંબઈ, તા. 25 : ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)માંની ત્રૂટિ, ઈ-વેની અમુક શરતોના વિરોધમાં અખિલ ભારતીય વ્યાપારી મહાસંઘ (કૅટ)એ શુક્રવાર, 26 ફેબ્રુઆરીએ દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. મુંબઈ શહેર, ઉપનગર સહિત મહાનગર વિસ્તારમાં લગભગ સાડા ત્રણ લાખ વેપારીઓ અને દુકાનદારોએ એ દિવસે બંધની જાહેરાત કરી છે.  કૅટ એ દેશભરના વેપારીઓનું સૌથી મોટું યુનિયન છે. દેશ વીસ હજાર સંગઠનના પાંચ કરોડથી વધુ વેપારીઓ આ સંગઠનના સભ્યો છે. મુંબઈ મહાનગર વિસ્તારમાં લગભગ સાડા ત્રણ લાખ સભ્યો આ સંગઠન સાથે જોડાયેલા છે. એમાં વેપારીઓના સંગઠન ઉપરાંત જથ્થાબંધ અને છૂટક વેપારીઓનો સમાવેશ થાય છે. બંધ સફળ થશે એવો વિશ્વાસ કૅટના મહાનગર ક્ષેત્રના પ્રદેશાધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે વ્યક્ત કર્યો હતો.  ઠક્કરે જણાવ્યું કે, ઈ-વે બિલ હાલ વેપારીઓ માટે સૌથી વધુ અડચણ ઊભી કરે છે. જીએસટી અધિકારીઓ વેપારીઓની હેરાનગતિ કરતા હોય છે. જીએસટીની વેબસાઇટમાં અનેક ત્રૂટિઓ જોવા મળે છે. આ તમામ બાબતનો વિરોધ કરવા માટે બંધની હાકલ કરવી પડી છે. મુંબઈના વેપારીઓના લગભગ છ મુખ્ય સંગઠનોનો ટેકો જાહેર કર્યો છે. એટલે બજારો બંધ રાખી સરકારનો વિરોધ કરાશે.  ટ્રાન્સપોર્ટરોની રાષ્ટ્રીય સ્તરના મુખ્ય સંગઠન એવા અૉલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિયેશન (એટવા)એ ટેકો જાહેર કર્યો છે. આ સંગઠન સાથે સંલગ્ન એવા બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, મહારાષ્ટ્ર ટેન્કર લૉરી અૉનર્સ એસોસિયેશન, એડિબલ અૉઇલ ટેન્કર અૉનર એસોસિયેશન, ધ કાર્ટિંગ એજન્ટ એસોસિયેશને બંધને ટેકો જાહેર કર્યો છે. ઉપરાંત સૌંદર્ય પ્રસાધન વિતરક સંગઠન, એલ્યુમિનિયમ વાસણો ઉત્પાદક અને વેપારી એસોસિયેશન, મસાલા એસોસિયેશન, અખિલ ભારતીય ખાદ્યતેલ મહાસંઘ, અખિલ ભારતીય મહિલા ઉદ્યોજક, કૉમ્પ્યુટર વિક્રેતા એસોસિયેશને બંધને ટેકો જાહેર કર્યો છે. એટલે શુક્રવારે ટ્રાન્સપોર્ટર્સ અને જથ્થાબંધ બજાર પૂર્ણપણે બંધ રહેવાના હોવાથી એની અસર છૂટક બજાર પર પણ પડી શકે એમ છે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer