ટ્રેનમાં ભુલાયેલું લેપટોપ ગણતરીના કલાકોમાં પાછું મળ્યું

ટ્રેનમાં ભુલાયેલું લેપટોપ ગણતરીના કલાકોમાં પાછું મળ્યું
મુંબઈ, તા. 25 : કાંદિવલી પશ્ચિમના મથુરાદાસ રોડ પર રહેતી હિનલ કોઠારી શાહ મહત્ત્વના દસ્તાવેજો અને માહિતી ધરાવતું લેપટોપ લોકલ ટ્રેનમાં ભૂલી ગઇ હતી, પરંતુ લેપટોપ ફોર્મેટ કરવાનું હોવાથી પાસવર્ડ નહોતો રાખ્યો તેથી પોલીસે આ લેપટોપ મૂળ માલિકને તેની બેગ સહિત પાછું સોંપ્યું હતું. હિનલ ચર્ચગેટની ખાનગી કંપનીમાં કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ અૉફિસરના પદે કામ કરે છે. હિનલ કોઠારી શાહે એલએલબીનું શિક્ષણ લીધું છે. સંપૂર્ણ ઘટના વિશે હિનલે જણાવ્યું હતું કે રોજની જેમ સોમવારે સવારે 8.31 વાગ્યાની કાંદિવલીથી ચર્ચગેટ જતી ફાસ્ટ લોકલ ટ્રેન પકડી સેકન્ડ કલાસના મહિલા ડબામાં બેઠી હતી. લેપટોપની લેધર બેગ રેક પર મૂકી ચર્ચગેટ આવતાં હું ઉતાવળે ઊતરી ગઇ હતી અને લેપટોપની બેગ ટ્રેનમાં જ રહી ગઇ હતી. બેલાર્ડ એસ્ટેટમાંની અૉફિસ નજીક મને યાદ આવ્યું હતું કે મેં મારી બેગ હાથમાં લીધી જ નથી. હું તાકિદે ચર્ચગેટ સ્ટેશન ગઇ અને રેલવે પોલીસને આ બાબતે જાણકારી આપી હતી. રેલવે પોલીસે જણાવ્યું હતું કે જે લોકલ ટ્રેનમાં હું હતી તે બોરીવલીની ફાસ્ટ લોકલ થઇને ઊપડી ગઇ છે અને બોરીવલી સ્ટેશન પર 10.07 વાગ્યે પહોંચશે. રેલવે પોલીસે સહકાર આપીને મને 1512 ફોન નંબર પર ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું. લેપટોપ ફરી મળશે કે નહીં તે ચિંતામાં મેં ફરી ચર્ચગેટથી બોરીવલીની ફાસ્ટ લોકલ પકડી હતી અને તે જ વખતે મને દાદર સ્ટેશન પરથી ફોન આવ્યો હતો કે તમારી લેપટોપની બેગ અમને મળી છે. એટલે તમારી ઓળખ દેખાડીને લેપટોપ લેવા આવો. હું ટ્રેનમાં જ હતી એટલે દાદર સ્ટેશને પહોંચી હતી. મારી ઓળખ બતાવી લેપટોપની બેગ પરત મેળવી હતી. હું રેલવે પોલીસનો  સહકાર બદલ આભાર માનું છું.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer