ટૂંક સમયમાં શરૂ થશે વૉટર ટૅક્સી

ટૂંક સમયમાં શરૂ થશે વૉટર ટૅક્સી
મુંબઈથી વાશી, ઐરોલી, નેરુળ, બેલાપુર, જેએનપીટી, રેવસ સુધીનો પ્રવાસ બનશે ઝડપી મુંબઈ, તા. 25 : જળમાર્ગ દ્વારા મુંબઈથી વાશી, ઐરોલી, નેરુળ, બેલાપુર, જેએનપીટી, રેવસ જેવા વિસ્તારોમાં ઝડપથી પહોંચવાનું મુંબઈગરાનું સપનું ટૂંક સમયમાં પૂરું થશે. કારણ, ઇન્ડિયન મેરીટાઇમ સમિટ નિમિત્તે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને વિવિધ કંપનીઓ વચ્ચે તાજેતરમાં એમઓયુ કરાયા હોવાથી આગામી થોડા મહિનામાં નાગરિકો વૉટર ટૅક્સીમાં આવનજાવન કરી શકશે.  બંદર અને દરિયાઈ ક્ષેત્રે રોકાણ વધારવા માટે બંદર, નૌવહન અને જળમાર્ગ મંત્રાલયે 2થી 4 માર્ચ દરમિયાન મેરીટાઇમ ઇન્ડિયા સમિટનું આયોજન કર્યું છે. આ વર્ચ્યુઅલ સમિટમાં વીસ હજાર કરોડ રૂપિયાના વિવિધ એમઓયુ કરવાનું લક્ષ્ય હોવાનું પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ રાજીવ જલોટાએ જણાવ્યું.  એમઓયુને કારણે મુંબઈ, નવી મુંબઈ અને રાયગડ જિલ્લાનાં અમુક સ્થળોએ વૉટર ટૅક્સીની સુવિધા શરૂ કરવાની યોજનાને વેગ મળ્યો છે. આ સેવાનું સંચાલન મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કરાશે તો ખાનગી કંપની ટૅક્સી અૉપરેટ કરશે. એ માટે હાલ અસ્તિત્વમાં રહેલી કેટામરાન,લૅંચનો ઉપયોગ કરાશે, એમ પોર્ટ ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું. નેરુળ અને બેલાપુર ખાતે જેટ્ટીનું કામ યુદ્ધસ્તરે થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જેટ્ટી તૈયાર થતાં આગામી બે મહિનામાં ત્યાં આ સેવા શરૂ થવાની શક્યતા હોવાનું અધિકારીએ જણાવ્યું. વૉટર ટૅક્સીનું ભાડું કેટલું રાખવું એ અંગે ચર્ચા ચાલી રહી છે.   આ સુવિધા મુખ્યત્વે રોજ આવનજાવન કરાનારાઓ માટે હોવાથી એ મુજબ ભાડું નક્કી કરવાની યોજના છે.  વૉટર ટૅક્સીની સાથે ક્રૂઝ અંગે પણ વિવિધ કરાર કરવામાં આવ્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ, બંદર પરિસરમાં જ ક્રૂઝ સહેલની સુવિધાનો સમાવેશ થાય છે. ઉપરાંત ગુજરાતથી મહારાષ્ટ્રની રો રો સેવાના વિસ્તરણની પણ યોજના છે.  વૉટર ટૅક્સીમાં મુંબઈ (પ્રિન્સેસ ડૉક)થી વાશી, ઐરોલી, નેરુળ, બેલાપુર, જેએનપીટી, રેવસ જઈ શકાશે. ઉપરાંત મુંબઈથી બેલાપુર લગભગ એક કલાકમાં પહોંચી શકાશે. વૉટર ટૅક્સીની ક્ષમતા શરૂઆતમાં 10થી 50 પ્રવાસી જેટલી હશે જે તબક્કાવાર વધારીને 100 પ્રવાસી જેટલી કરવામાં આવશે.    Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer