વિવિધ ભંડોળના મામલે પાલિકાની સ્થાયી સમિતિ અને પ્રશાસન વચ્ચે વિવાદ વકર્યો

વિવિધ ભંડોળના મામલે પાલિકાની સ્થાયી સમિતિ અને પ્રશાસન વચ્ચે વિવાદ વકર્યો
મુંબઈ, તા. 25 : મુંબઈ મહાનગર પાલિકામાં સ્થાયી સમિતિમાં શિવસેના અને પ્રશાસન વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. આ પહેલાં સ્થાયી સમિતિમાં ભંડોળ મંજૂર કરતી વખતે એમાંથી 250 કરોડ રૂપિયાની કપાત કરવા અંગે પણ વાદ નિર્માણ થયો હતો. હવે પાલિકા કમિશનરે સ્થાયી સમિતિ અધ્યક્ષના ભાયખલા વિભાગમાં શણની થેલી વિતરણનો પ્રસ્તાવ પણ નામંજૂર કરવાથી એમાં વધારો થયો છે. આથી ફરી એકવાર, પાલિકામાં સત્તાધારી શિવસેનાની પ્રશાસન પરની પકડ ઢીલી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં અધ્યક્ષ યશવંત જાધવે કમિશનર અને પ્રશાસનની જોરદાર ટીકા કરી હતી.  મુંબઈ પ્લાસ્ટિકમુક્ત કરવા  માટે નિયમો અને કાયદાઓ લાગુ થઈ રહ્યા છે ત્યારે પ્રશાસન શણની થેલીઓનો ઉપયોગ રોકતું હોવા બદલ તેમણે આશ્ચર્ય વ્યક્ત ર્ક્યું હતું અને આ બાબતને ગંભીર જણાવી નારાજી વ્યકત કરી હતી.  સ્થાયી સમિતિની બેઠકનો પ્રસ્તાવ બુધવારે પરોઢે મળ્યો હોવાથી એના પર અભ્યાસ કરી શકાયો નહીં હોવાનો મુદ્દો ભાજપે માંડયો હતો. એ બાબતે ભાજપના જૂથનેતા પ્રભાકર શિંદે અને ભાલચંદ્ર શિરસાટે ટીકા કરી હતી. જોકે, જાધવે તેમના મતવિસ્તારના કામ સંદર્ભે લાગણીસભર નિવેદન ર્ક્યા બાદ ભાજપે વિરોધ પાછો ખેંચ્યો હતો.   12 કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂર યશવંત જાધવના વૉર્ડમાં વિવિધ વિકાસ કાર્યો પાછળ લગભગ 12 કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂર થયા છે. સીસીટીવી, હાઈમાસ્ટ વીજળી, કચરાના ડબ્બા, શાકભાજી વેચનારાઓ માટે ટેમ્પો, બેસવા માટેની બેઠકો વગેરેનો તેમાં સમાવેશ થાય છે.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer