ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમય પછી શાંતિ મંત્રણા

ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમય પછી શાંતિ મંત્રણા
ડીજીએમઓની ચર્ચા બાદ સંયુકત નિવેદનમાં યુદ્ધવિરામ અને સમજૂતીના પાલન વિશે એકમતી નવી દિલ્હી, તા. 25 : પૂર્વીય લદ્દાખમાં  ચીની સીમાએ ઘર્ષણનો અંત આવ્યાની પ્રક્રિયા પૂરી થઇ?રહી છે. એકબાજુ, શાંતિની બહાલીની સ્થિતિ બની રહી છે, તો એ સાથે જ પાકિસ્તાનના વલણમાં પણ બદલાવ આવ્યો છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ)ની વચ્ચે હોટલાઇન પર વાત થઇ છે.  એક સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બંને દેશોની વચ્ચે બધી જ સંધિઓ, સમજૂતીઓ અને સંઘર્ષ વિરામના નિયમોનું પાલન કરવા પર સહમતી વ્યકત કરવામાં આવી છે.  આ સહમતી 24-25મીની મધ્યરાત્રિથી લાગુ થઇ ગઇ છે. બંને દેશોની વચ્ચે એ બાબત પર સહમતી બની હતી કે, જો કોઇ ગેરસમજ પણ થાય તો પહેલાંથી જ ઉપલબ્ધ હોટલાઇન સંપર્ક અને સીમા પરની ફ્લેગ બેઠકવાળી પદ્ધતિનો  ઉપયોગ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બંને ડીજીએમઓએ નિયંત્રણરેખા અને બાકીના બધા સેક્ટર પર સ્થિતિની સમીક્ષા કરી હતી.  આ સાથે ઘણા લાંબા સમય બાદ ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવા પહેલ થઇ છે. બંને દેશના સૈન્ય અભિયાનોના ડાયરેક્ટર જનરલ વચ્ચેની બુધવારની બેઠકમાં સમજૂતીઓ ફરી અમલમાં લાવવા નક્કી થયું છે. ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ પરમજિતસિંહ અને તેમના પાકિસ્તાની સમકક્ષે હોટલાઇનના માધ્યમથી થયેલી વાતચીતમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન, યુદ્ધવિરામ, કાશ્મીર મુદ્દો સહિત અનેક બાબતોની સમજૂતી પર ચર્ચા કરી હતી. બંને દેશોએ  નિયંત્રણરેખાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી.  સંયુકત વકતવ્યમાં વધુમાં જણાવ્યું કે, બંને દેશો આંતરિક સમજૂતીઓ, કરારો અને સંઘર્ષ વિરામના સખ્તાઇથી પાલન માટે સહમત છે. બંને દેશોએ નિયંત્રણ રેખા અને અન્ય તમામ ક્ષેત્રોમાં સ્વતંત્ર, સ્પષ્ટ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં  સ્થિતિની સમીક્ષા કરી હતી.  ડીજીએમઓ એકબીજાના પ્રમુખ મુદ્દાઓ અને ચિંતાઓ પર ધ્યાન આપવા સહમત થયા છે. બંને દેશોએ હોટલાઇન સંપર્કના વર્તમાન તંત્ર માટે સહમતી વ્યકત કરી હતી. તે સિવાય વાતચીત દ્વારા તમામ વિવાદો ઉકેલવા પણ વાત થઇ?હતી.  Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer