ભાગેડુ નિરવ મોદી ભારતને હવાલે કરાશે

ભાગેડુ નિરવ મોદી ભારતને હવાલે કરાશે
પ્રત્યાર્પણને મંજૂરી આપતી બ્રિટિશ કોર્ટ, આર્થર રોડ જેલને યોગ્ય ગણાવી લંડન, તા. 25 : પંજાબ નેશનલ બેંકને આશરે રૂ.12 હજાર કરોડનો ચૂનો લગાવનાર ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીને ભારતને હવાલે કરવા બ્રિટિશ કોર્ટે પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત મોકલ્યા બાદ તેને મુંબઈની આર્થર રોડ જેલમાં બેરેક નં.12માં રાખવામાં આવશે.  પ્રત્યાર્પણ ટાળવા નિરવના વકીલે કોર્ટમાં હાસ્યાસ્પદ દલીલો કરી કે આર્થર રોડ જેલમાં ઉંદરનો ભારે ત્રાસ છે, ત્યાં કીડા વધુ છે. કેદીઓની પ્રાઇવસી જેવું નથી. માનવાધિકાર ભંગ થાય છે, જેલ પરિસર પાસે ઝૂંપડપટ્ટી, વોકળો, ભારે ઘોંઘાટ હોવાનાં કારણે માનસિક આરોગ્ય કથળે અને આપઘાત માટે પ્રેરાય તેવાં કારણો ધર્યાં હતાં જે તમામ ફગાવી દેતાં લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ગુરુવારે નિરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલના હસ્તાક્ષર માટે ચુકાદો મોકલ્યો છે. હસ્તાક્ષર બાદ પ્રત્યાર્પણની પ્રક્રિયા આગળ વધશે.   જજ સૈમ્યુઅલ ગુજીએ ફેંસલો આપતા કહ્યંુ કે નિરવ મોદીને દોષી ઠેરવવા જરૂરી પુરાવા ઉપલબ્ધ છે. તેણે પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. જજે બચાવ પક્ષની તેના માનસિક આરોગ્યની ચિંતાઓ અંગેની દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યંુ કે આવી સ્થિતિમાં આ કોઈ અસામાન્ય વાત નથી. મુંબઈની આર્થર રોડ જેલમાં તેની સારવાર કરાશે અને તેનાં માનિસક સ્વાસ્થ્યની કાળજી લેવાશે. જજે કહ્યંુ કે નિરવ મોદીને ભારત મોકલ્યા બાદ તે આપઘાત કરે તેવો કોઈ ખતરો નથી.  બ્રિટિશ કાયદા અનુસાર નિરવ મોદીનાં ભારત પ્રત્યાર્પણ માટે હજુ કેટલીક કાયદાકીય પ્રક્રિયાઓ અડચણરૂપ છે. તેની પાસે વેસ્ટમિંસ્ટર કોર્ટના ચુકાદા વિરુદ્ધ હાઇ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે.   હાઇ કોર્ટની સંભવિત લડતને ધ્યાને લેતા નિરવ મોદીનું તુરંત પ્રત્યાર્પણ થઈ નહીં શકે.  બ્રિટનમાં 19 માર્ચ 2019ના રોજ પ્રત્યાર્પણ વોરન્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. કાનૂની લડતમાં તે વીડિયો લિંક દ્વારા સામેલ થતો હતો. કોર્ટ તેની અનેક જામીન અરજીઓ નામંજૂર કરી ચૂકી છે.  અદાલતનો આદેશ પાશેરામાં પહેલી પૂણી   Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer