એન્ટિલિયા નજીક વીસ જીલેટિન સ્ટિક સાથે શંકાસ્પદ કાર મળી

ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ધમકીભર્યો પત્ર અને અંબાણી પરિવારના કારના કાફલાની બનાવટી નંબર પ્લેટો મળી : ક્રાઈમ બ્રાંચ અને એટીએસની તપાસ શરૂ અમારા પ્રતિનિધિ તરફથી મુંબઇ, તા. 25 : દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પેડર રોડસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાની બસો મીટર નજીક રાખોડી રંગની શંકાસ્પદ સ્કોર્પિયોમાં વીસ જીલેટિન સ્ટિક મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે પોલીસ, ડૉગ સ્કવૉડ અને બૉમ્બ સ્કવૉડ પહોંચી ગઇ છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકારના આદેશને પગલે અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. ઘરની આસપાસ કમાન્ડોનો કાફલો ઊભો કરી દેવાયો છે. એટીએસ તેમ જ ક્રાઇમ બ્રાંચ આ મામલે તપાસ કરી રહી છે. સીસીટીવીના ફૂટેજની તપાસ ચાલી રહી છે. કારની નંબર પ્લેટ બનાવટી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરાઇ છે. ગામદેવી પોલીસ સ્ટેશનની સરહદમાં કાર્મિકલ રોડ પર એક સ્કોર્પિયો લાંબા સમયથી ઊભેલી જોવા મળી હતી. પોલીસને સૂચના મળતાં જ પોલીસ, ડૉગ સ્કવૉડ અને બૉમ્બ સ્કવૉડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારની તપાસ કરાતા તેમાંથી વિસ્ફોટક સામગ્રીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી જીલેટિન સ્ટિક મળી આવી હતી. જોકે, આ સ્ટિક અસેંબલ કરાઇ નહોતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે આ ઘટનાની ગંભીર નોંધ લઇને જણાવ્યું હતું કે મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક એક સ્કોર્પિયો કાર મળી આવી છે જેમાંથી જીલેટિન સ્ટિકો મળી આવી છે. અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. આ કેસની તપાસ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે, હકીકત તપાસમાં બહાર આવશે. Published on: Fri, 26 Feb 2021