વૈશ્વિક શૅરબજારોમાં કડાકો

સેન્સેક્સ - નિફટીએ ઊંચા સ્તર ગુમાવ્યા 
બૅન્ક, આઈટી અને અૉટો શૅર્સ પટકાયા 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 26 : યુએસ ફેડરલ રિઝર્વે વધી રહેલા બોન્ડ યીલ્ડ વિશે ચિંતા વ્યક્ત કરતા ગઈ કાલે નાસ્દાક  3.5 ટકાથી વધુ તૂટીને બંધ થયા બાદ આજે સવારે એશિયન શૅરબજારોમાં તેની વિપરીત અસર પડી હતી અને તેનું અનુકરણ સ્થાનિક શૅરબજારમાં થયું હતું. બજાર શરૂ થતાં જ સેન્સેક્સ 900 પૉઇન્ટ્સ તૂટ્યો હતો. આજે સેન્સેક્સે 51,000નું અને નિફટીએ 15,000નું સ્તર ગુમાવ્યું હતું. સેન્સેક્સ 780 પૉઇન્ટ્સ ઘટી 50,258 પૉઇન્ટ્સના સ્તરે અને નિફટી 217 પૉઇન્ટ્સ ઘટી 14,880 પૉઇન્ટ્સ પર ટ્રેડમાં હતા.  
આજે સવારે સિંગાપોર નિફટી 2.28 ટકાના ઘટાડે ટ્રેડમાં હતો. જ્યારે જપાનનો નિક્કી 2.67 ટકા, હૅંગસૅંગ 2.40 ટકા અને સાઉથ કોરિયાનો કોસ્પી 3.15 ટકાના માતબર ઘટાડા સાથે ટ્રેડમાં હતા.  
સ્થાનિકમાં બૅન્ક નિફટી 2.66 ટકા, આઈટી નિફટી 1.06 ટકા, અૉટો 0.93 ટકા અને નિફટી પીએસઈ ઇન્ડેક્સ 0.11 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા.  
બીજી તરફ બીએસઇ સ્મોલ કૅપ 0.26 ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ 0.58 ટકાના ઘટાડે હતા.  
નિફટીમાં સૌથી વધુ વધેલા શૅર્સમાં કૉલ ઇન્ડિયા, મારુતિ, નેસ્લે, બીપીસીએલ અને આઈઓસી મુખ્ય હતા, જ્યારે સૌથી વધુ ઘટેલા શૅર્સમાં ઇન્ડ્સઇન્ડ બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એક્સિસ બૅન્ક, એચડીએફસી અને એચડીએફસી બૅન્કનો સમાવેશ થતો હતો.  
નિફટીમાં સૌથી વધુ સક્રિય શૅર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, ભારતી ઍરટેલ, કૉલ ઇન્ડિયા અને એક્સિસ બૅન્કનો સમાવેશ થતો હતો.
Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer