ઇંધણ ટૅક્સમાં ઘટાડો આવશ્યક : રિઝર્વ બૅન્ક ગવર્નર

મુંબઈ, તા. 26 : પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે નાગરિકો પરેશાન છે ત્યારે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કેન્દ્ર અને રાજ્યોને સમન્વય સાધી કર ઘટાડવાની વિનંતી કરી હતી. ગવર્નરે ઇંધણના ભાવમાં ઘટાડો થવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. 
જેઓ કાર અને સ્કૂટર વાપરે છે તેમનો જ આ પ્રશ્ન નથી. પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવની અસર ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશન સહિત અન્ય બાબતો પર પડતી હોવાનું દાસે જણાવ્યું. તેઓ બૉમ્બે ચેમ્બર અૉફ કૉમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
રાજ્ય અને કેન્દ્ર દ્વારા લગાવાતા ટૅક્સ પ્રત્યે ધ્યાન દોરતા દાસે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રએ સમન્વય સાધી ટૅક્સ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોવિડ મહામારીને પહોંચી વળવા સરકારે વધારાનો ખર્ચ કરવા સરકારને પૈસા ઊભા કરવાની જરૂર પડે છે, તેમ ઉત્પાદિત સામાનની કિંમત પર ઇંધણના ભાવવધારો થવાથી ફુગાવો પણ વધે છે એટલે ઇંધણના ભાવોમાં ઘટાડો કરવો જરૂરી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં રિઝર્વ બૅન્કે મોનેટરી પૉલિસી કમિટીની મિનિટ જારી કરી હતી. જેમાં જણાવાયું હતું કે એના સભ્યો ઇંધણના ભાવવધારાથી ચિંતિત છે. આ વખતે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને આંબી જાય એવી  શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલ પરના આડકતરા વેરાના વધુ પડતા ભારણને કારણે પેટ્રોલનો ભાવ રૂા. 100ની સપાટી નજીક પહોંચ્યો છે. એટલે રાજ્ય અને કેન્દ્રની સરકારે સમન્વય સાધી વચલો રસ્તો કાઢવો જોઇએ. ઇંધણનો ભાવ વધારે અર્થતંત્ર લથડી શકે છે, એમ દાસે એમપીસીની મિનિટ્સમાં જણાવ્યું હતું.
દાસે ધ્યાન દોરતા કહ્યું કે મહામારીના શરૂઆતના દિવસોમાં ક્રૂડ તેલના નીચા ભાવો અને લૉકડાઉન દરમિયાન એપ્રિલ-જાન્યુઆરી 2020-21માં ઘટેલી માગને કારણે ભારતના ક્રૂડના આયાતના બિલમાં 42.5 ટકા જેટલો ઘટાડો થયો હતો. તેમના ભાષણમાં દાસે કહ્યું કે 2020ના અંતમાં સર્વિસ ટ્રેડમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ક્રોસ બોર્ડર ટુરિઝમ અને ટ્રાવેલ પરના પ્રતિબંધને કારણે હજુ આ સેક્ટરનું પર્ફોર્મન્સ સુધર્યું નથી.
Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer