નિરવ મોદી માટે આર્થર રોડ જેલનો સ્પેશિયલ સેલ તૈયાર

નિરવ મોદી માટે આર્થર રોડ જેલનો સ્પેશિયલ સેલ તૈયાર
મુંબઈ, તા. 26 : ભાગેડુ નિરવ મોદીને ભારતને હવાલે કરવા બ્રિટિશ કોર્ટે મંજૂરી આપ્યા બાદ પ્રત્યાર્પણ માટેની આખરી મંજૂરી માટે બ્રિટનની સરકારને મોકલી આપવામાં આવી છે, ત્યારે આર્થર રોડ જેલ એના વીઆઇપી મહેમાન માટેના ક્વાર્ટરની સાફસૂફી કરી રહી છે. હીરાના વેપારી નિરવ મોદી કથિતપણે ભારતીય બૅન્કો સાથે અબજો રૂપિયાની છેતરપિંડી કરી ભાગી છૂટયો હતો.
નિરવને બે માળની બૅરેકના ભોંયતળિયે આવેલી ત્રણમાંથી એક 12 નંબરની સેલમાં રાખવામાં આવશે. 26/11ના આતંકવાદી અજમલ કસાબને ફાંસીને માંચડે ચઢાવાયો ત્યાં સુધી એને અહીં જ રાખવામાં આવ્યો હતો. આ સેલ મોદીની જેમ અબજો રૂપિયાનો ગોટાળો કરનાર વિજય માલ્યા માટે પણ તૈયાર કરવામાં આવી છે. ત્રીજા રૂમનો ઉપયોગ હાલ સ્ટોર રૂમ તરીકે થઈ રહ્યો છે.
સામાન્ય જેલ, જ્યાં 2500 કરતાં વધુ કેદી રાખવામાં આવ્યા છે એનાથી અલગ હાઇ સિક્યુરિટી બેરેક્માં સીસીટીવી કૅમેરાની સાથે હથિયારધારી સુરક્ષાકર્મી પણ તૈનાત હોય છે. જેલના દવાખાનાથી એ 100 મીટરના અંતરે છે. જો કોર્ટ ટિફિનની સુવિધા આપવાનું નકારે તો નિરવ મોદીને જેલના કેદીઓએ બનાવેલું ભોજન આપવામાં આવશે.
સીબીઆઈએ 31 જાન્યુઆરી, 2018ના મોદી ઉપરાંત પંજાબ નેશનલ બૅન્કના અધિકારીઓ વિરુદ્ધ છેતરપિંડી કરી લેટર્સ અૉફ અંડરટેકિંગ જારી કરવાના ગુનાહિત કાવતરું ઘડવા સબબ ગુનો નોંધ્યો હતો.
Published on: Fri, 26 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer