અંબાણીના ઘર પાસેથી મળેલી કારમાંના પત્રમાં ધમકી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : તળ મુંબઈના ભદ્ર વિસ્તાર ગણાતા કાર્માઈકલ રોડ પર દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે પાર્ક કરાયેલી એક શંકાસ્પદ સ્કૉર્પિયોમાંથી ગઈ કાલે જિલેટીન સ્ટિકસ અને એક પત્ર મળી આવતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ પ્રકરણની તપાસ મુંબઈ સીઆઈડીએ હાથ ધરી છે, પણ આ જિલેટીન સ્ટિકસ અને પત્રનું રહસ્ય ઉકેલવામાં હજી સુધી કોઈ સફળતા મળી નથી.
જાણવા મળતી માહિતી મુજબ જે પત્ર મળ્યો તેમાં એમ લખવામાં આવ્યાનું કહેવાય છે કે `યહ તો સિર્ફ ટ્રેલર હૈ, અગલી બાર હમ પૂરી તૈયારીસે આયેંગે.' આ પત્રનું લખાણ બાદ મુકેશ અંબાણીના ઘર ફરતે ભારે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. જે જિલેટીન સ્ટિકસ મળી આવી તે ક્યાંની છે અને કેવી રીતે લાવવામાં આવી અને તે ત્યાં શા માટે મૂકવામાં આવી તે અંગે પણ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.
આ દરમિયાન પોલીસે તે વિસ્તારના સીસીટીવીનો આખી રાત ભારે અભ્યાસ કર્યો હતો, પરંતુ આ ઘટનાના રહસ્ય ઉકેલવા સુધી લઈ જાય એવું કોઈ પગેરું નહીં મળ્યાનું કહેવાય છે. જોકે, પત્રમાંના લખાણનું પોલીસે હજી સુધી સમર્થન કર્યું નથી. પોલીસ તપાસમાં સ્કૉર્પિયોની નંબર પ્લેટ બનાવટી હોવાનું કહેવાય છે તેમ જ આ કારમાંથી બીજી કેટલીક નંબર પ્લેટો મળી આવી છે અને તે અંબાણીના કાફલામાંની ગાડીઓના નંબરથી મળતી આવે છે એમ કહેવાય છે. પોલીસ તપાસમાં એમ પણ બહાર આવ્યાનું કહેવાય છે કે સ્કૉર્પિયો જ્યાં પાર્ક કરવામાં આવી હતી તે શિખરકુંજ ઈમારતના વિજય સ્ટોર્સની સામે હતી. ગુરુવારે મધ્યરાત્રી પછી તે ડ્રાઈવરે ત્યાં પાર્ક કરી હતી. આ ગાડી પાછળ એક ઈનોવા હતી, જે ત્યાંથી નીકળી ગઈ હતી. પોલીસ ઈનોવાની ડિટેલ કાઢી તેના ડ્રાઈવર અને માલિકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
Published on: Fri, 26 Feb 2021
યહ તો સિર્ફ ટ્રેલર હૈ, અગલી બાર હમ પૂરી તૈયારી સે આયેંગે
