મહિલા ટીમનો દ. આફ્રિકા સામે 8 વિકેટે પરાજય

કૅપ્ટન મિતાલીની અર્ધસદી અને હરમનપ્રીતના 40 રન બાદ ભારતીય ટીમનો ધબડકો લખનૌ તા.7: પાછલા એક વર્ષમાં પોતાનો પહેલો મેચ રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને દ. આફ્રિકા સામે હાર સહન કરવી પડી છે. આજે અહીં રમાયેલા પહેલા વન ડે મેચમાં દ. આફ્રિકાની મહિલા ટીમનો 59 દડા બાકી રહેતા આઠ વિકેટે સરળ વિજય થયો છે. ભારતીય ટીમમાં પ્રેકટીસ ઉણપ સાફ નજરે પડી હતી. કપ્તાન મિતાલી રાજના 85 દડામાં 50 અને ઉપસુકાની હરમનપ્રિત કૌરના 41 દડામાં 40 રન છતાં ભારતીય ટીમે 21 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આથી 50 ઓવરમાં 9 વિકેટે 177 રન જ થયા હતા. જવાબમાં દ. આફ્રિકાની મહિલા ટીમે ફકત 40.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.  આફ્રિકા તરફથી લિજલી લીએ 122 દડામાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની અને લોરા વોલવાર્ટ (110 દડામાં 80 રન) વચ્ચે પહેલી વિકેટમાં 169 રનની જોરદાર અને વિજયી ભાગીદારી થઇ હતી. ઓપનિંગ જોડીએ જ આફ્રિકાની જીત સુનિશ્ચિત કરી દીધી હતી. આફ્રિકાએ પ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી છે.  અનુભવી ઝૂલન ગોસ્વામીએ 38 રનમાં બે વિકેટ લીધી હતી,પણ સામે છેડેથી તેને કોઇ સાથ મળ્યો ન હતો. આ પહેલા સ્ટાર બેટસવુમન સ્મૃતિ મંધાના ફકત 14 રન જ કરી શકી હતી. એક સમયે ભારતના 4 વિકેટે 154 રન હતા. આ ઉપરાઉપરી વિકેટ પડતા સ્કોર 8 વિકેટે 160 રન થયો હતો.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer