નવ એપ્રિલથી બંધ દરવાજે આઇપીએલ-2021 રમાશે

નવ એપ્રિલથી બંધ દરવાજે આઇપીએલ-2021 રમાશે
ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ અને બેંગલુરુમાં 10-10 અને અમદાવાદ તથા દિલ્હીમાં આઠ-આઠ મૅચ રમાશે: ઉદ્ઘાટન મૅચમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર આમને-સામને મુંબઈ, તા.7: કોરોના મહામારી વચ્ચે આઇપીએલનીની 2021ની સિઝન ભારતમાં રમાશે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આજે રવિવારે આઇપીએલ-14નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. લગભગ બે વર્ષ બાદ આઇપીએલની દેશમાં વાપસી થઈ છે. આઇપીએલ 2021નો પ્રારંભ તા. 9 એપ્રિલથી થશે અને 30 મેના ફાઇનલ મેચ રમાશે. આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઈ અને કોલકતામાં આ ટૂર્નામેન્ટના મેચો બાયો બબલમાં આયોજિત કરાશે. કોઇ પણ ટીમના મેચ તેમના ઘરેલુ મેદાન પર રમાશે નહીં. તમામ મેચ તટસ્થ સ્થળો પર રમાશે. આ ઉપરાંત આઇપીએલના શરૂઆતના તબક્કાના મેચો દર્શકો સ્ટેડિયમના બંધ દરવાજામાં રમાશે. દર્શકોની હાજરીનો નિર્ણય બાદમાં લેવાશે.  પહેલા મેચમાં તા. 9 એપ્રિલે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈના મેદાન પર થશે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મેચ અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તા. 30 મેના રોજ રમાશે. નોકઆઉટ રાઉન્ડના તમામ મેચનું અમદાવાદ યજમાન બન્યું છે.  બીસીસીઆઇની યાદીમાં જણાવાયું છે કે લીગ રાઉન્ડમાં પ્રત્યેક ટીમ ચાર સ્થળ પર તેમના મેચ રમશે. લીગ તબકકામાં કુલ 56 મેચ હશે. જેમાં ચેન્નાઈ, મુંબઈ, કોલકતા અને બેંગ્લુરુ ખાતે 10-10 તથા અમદાવાદ-દિલ્હીમાં 8-8 મેચ રમાશે.  આઇપીએલના કાર્યક્રમ અનુસાર પહેલા ચાર સપ્તાહમાં 33 મેચ રમાશે. આ દરમિયાન બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી એક પણ મેચ રમાશે નહીં. કોલકતામાં આઇપીએલ-2021નો પહેલો મેચ છેક તા. 9 મેના રોજ રમાશે. જેમાં બેંગ્લોર અને હૈદરાબાદની ટીમ આમને-સામને હશે. તમામ ટીમ લીગ રાઉન્ડમાં 6માંથી 4 સ્થળ પર રમશે. ટૂર્નામેન્ટમાં 11 દિવસ એવા છે કે ત્યારે બે-બે મેચ રમાશે. બપોરના મેચ 3-30 વાગ્યાથી શરૂ થશે જ્યારે બાકીના મોટાભાગના મેચ સાંજે 7-30થી શરૂ થશે. મોટારા સ્ટેડિયમમાં ફાઇનલ ઉપરાંત પ્લેઓફના મેચ રમાશે. તેમ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું.  બીસીસીઆઇને આશા છે કે આ વખતે પણ આઇપીએલનું આયોજન સફળ રહેશે જ્યારે ટૂર્નામેન્ટમાં દર્શકોની હાજરીનો નિર્ણય લગભગ ચાર સપ્તાહ બાદ લેવાશે. આઇપીએલની પાછલી 2020ની સિઝન યુએઇમાં રમાઇ હતી. કોરોના મહામારીને લીધે તમામ મેચ ત્યારે દર્શકોની ગેરહાજરીમાં રમાયા હતા.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer