ભારતીય કૉટનના નિકાસ આડે પાકિસ્તાનમાં અવરોધો

ભારતીય કૉટનના નિકાસ આડે પાકિસ્તાનમાં અવરોધો
નવી દિલ્હી, તા. 7 : ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા તથા આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામ જાળવવા વિશે સમજૂતી થઈ. ત્યાર બાદ પાકિસ્તાન ભારતથી રૂની આયાત કરશે એવી આશા પેદા થઈ છે, પરંતુ ભારતીય રૂ પાકિસ્તાન પહોંચે તે આડે કેટલાક મુખ્યત્વે રાજકીય અવરોધો હોવાનું અત્રેના વેપારીઓ, ઉદ્યોજકો તથા અધિકારીઓનું કહેવું છે.  પાકિસ્તાન આ સપ્તાહે ભારતથી રૂ તથા કોટન યાર્નની આયાત વિશે નિર્ણય લે તેવી ધારણા છે.  પાકિસ્તાનમાં રૂની આયાત પર 11 ટકા જકાત હતી, જે તેણે આ વર્ષે 2 જાન્યુઆરીએ ઉઠાવી લીધી છે.  પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના વ્યાપારી બાબતો વિશેના સલાહકાર રઝાક દાઉદે ટ્વીટ કર્યું છે કે ઈમરાન ખાને મૂલ્યવર્ધિત નિકાસનો વેગ જાળવી રાખવા સરહદ પારથી કોટન યાર્નની આયાત સહિતનાં તમામ પગલાં લેવાની સૂચના આપી છે.  પાકિસ્તાનમાં આ સપ્તાહે રૂના ભાવ વધીને મણના (37.32 કિલો) રૂા. 12,000 (ભારતીય રૂા. 5560) થઈ ગયા તે પછી ત્યાં એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં ઈમરાન ખાને ઉપરોક્ત સૂચના આપી હતી.  પાકિસ્તાનમાં કપાસનો પાક આ વર્ષે અમેરિકન કૃષિ ખાતાના અંદાજ મુજબ 24 ટકા ઘટીને 60.19 લાખ ગાંસડી (170 કિલોની) થઈ જતાં રૂના ભાવમાં ભડકો થયો છે. આ વર્ષે ત્યાં કપાસનું વાવેતર દસેક ટકા ઓછું હતું. તેવામાં પાકને ભારે વરસાદ અને જીવાતથી ઘણું નુકસાન થયું છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રૂના ભાવ ગયા વર્ષના જૂનથી વધીને પાઉન્ડ દીઠ 87 સેન્ટ (356 કિલોની ખાંડી દીઠ રૂા. 50,050) થઈ ગયા છે. આ વર્ષના પ્રારંભથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવ 11 ટકા વધ્યા છે. તેની સામે ભારતમાં સંકર-6ના ભાવ ખાંડી દીઠ રૂા. 47,000થી ઓછા ચાલે છે.  ભારતનું રૂ સસ્તું છે અને તેનું પરિવહન ખર્ચ ઓછું હોવાથી તેની આયાત પાકિસ્તાનની મિલો માટે લાભકારક બની શકે છે. મુશ્કેલી એ છે કે ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર થંભી ગયો છે. તે હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર લેખીને ભારતે તેનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કર્યો અને તેના માલ પર 200 ટકા જકાત નાખી. પાકિસ્તાને પણ ભારતથી ચીજવસ્તુઓ આયાત કરવાનું બંધ કર્યું છે.  `ભારતથી પાકિસ્તાન નિકાસ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. પાકિસ્તાને રાજકીય નિર્ણય લેવાનો છે. અમારા પર કોઈ રાજકીય દબાણ નથી,' એમ એક સરકારી ખરીદદાર એજન્સીના અધિકારીએ કહ્યું હતું.  કોટન કોર્પોરેશન અૉફ ઇન્ડિયાના સીએમડી પી. કે. અગરવાલે કહ્યું કે પાકિસ્તાનને ભારતનું રૂ જોઈતું હોય તો તેણે આયાત પરનો પ્રતિબંધ ઉઠાવવો પડશે. હજી સુધી ક્યાંથી કોઈએ અહીં સંપર્ક કર્યો નથી. સીસીઆઈ પાસે 65 લાખ ગાંસડીનો સ્ટોક હોવાનું વેપારીઓ કહે છે.  ભારતથી રૂ ઉપરાંત કોટન યાર્નની પણ આયાત કરવાની માગણી વિશે પાકિસ્તાની કાપડ ઉદ્યોગ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કાપડ અને વસ્ત્રો બનાવનારાઓ યાર્નની આયાત ઝડપી બનાવવાની માગણી કરી રહ્યા છે, જ્યારે સ્પિનિંગ મિલો કહે છે કે યાર્નની આયાત પાકિસ્તાન માટે ઘાતક નિવડશે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer