વિસ્ફોટક સાથે કારનો કેસ : તપાસમાં વિલંબ કેમ?

મુંબઈ, તા. 7 : સરકારી યંત્રણા અને કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં શીતયુદ્ધ અને મતભેદને પગલે એન્ટિલિયા પાસે મળી આવેલી વિસ્ફોટક સામગ્રી ભરેલી શંકાસ્પદ કારના કેસની તપાસમાં વિલંબ થઇ રહ્યો છે. અધિકારીઓની શ્રેયવાદી ભૂમિકાઓને પગલે કેસની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે જેનો ફાયદો અજ્ઞાત આરોપીઓને થઇ રહ્યો છે. 25 ફેબ્રુઆરીએ બનેલી ઘટના બાદ પોલીસ, એટીએસ કે એનઆઇએની ટીમને આ કેસમાં કોઇ લિંક કે આરોપીની ભાળ મળી નથી. કારમાંથી મુંબઇ ઇન્ડિયન્સની બેગ મળી જેમાં કેટલીક બનાવટી નંબર પ્લેટો મળી. એક નનામો પત્ર મળ્યો. જેમાં અંબાણી પરિવારને ધમકી મળી હતી. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એટીએસ, એનઆઇએની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનાના દસ દિવસ બાદ પણ તમામ તપાસ એજન્સીની તપાસ સામે સવાલો નિર્માણ થયા છે. પોલીસ તેમ જ અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસે પૂરતા પુરાવા હોવા છતાં તેઓએ આ કેસમાં એકપણ આરોપીની ધરપકડ કરી નથી.   આ કેસની તપાસ અને કેસમાં આતંકવાદી સંગઠનનું નામ આવ્યા બાદ ગૃહપ્રધાન અનિલ દેશમુખે એટીએસને સોંપી છે. એટીએસ હવે નવેસરથી આ કેસની તપાસ કરવા માગે છે. બીજી તરફ આ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવે એવી માગણી વિપક્ષે કરી છે. તેથી કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ચાલી રહેલા શીતયુદ્ધને વેગ મળ્યો છે અને તપાસ માત્ર જૈસે થેની પરિસ્થિતિ એટલે કે શૂન્ય પર છે.   કાર અને વિસ્ફોટકો ફોરેન્સિક તપાસ માટે મોકલાયા  એન્ટિલિયા પાસે 25 ફેબ્રુઆરીએ મળી આવેલી સ્કોર્પિયો કાર અને જિલેટિન સ્ટિકસને મુંબઇ પોલીસે ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કાલીનામાં આવેલી એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં કારની તપાસ કરાશે. તેમાં કોઇપણ પુરાવા હોય તો મળી શકે તે માટે એફએસએલમાં કાર અને જિલેટિન સ્ટિકસ મોકલી દેવાઇ છે. આ તપાસનો અહેવાલ એક સપ્તાહમાં આવશે. લેબમાં જિલેટિન સ્ટિકની માત્રા કેટલી હતી અને તેના પરના કોઇ ફિંગરપ્રિંટ મેળવવાના પ્રયાસ કરાશે.  મનસુખ હિરેને મુખ્ય પ્રધાનને પત્ર લખેલો  સ્કોર્પિયોના માલિક હિરેન મનસુખે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહપ્રધાન અનિલ દેશમુખને પત્ર લખી આરોપ મૂકયા હતા કે પોલીસ અને મીડિયા દ્વારા સતત તેની સતામણી થઇ રહી છે. તે સતત માનસિક તણાવમાં રહે છે. તે આ કેસમાં પીડિત હોવા છતાં તેને વારંવાર એક જ સવાલ કરીને આરોપીઓ જેવો વ્યવહાર થઇ રહ્યો છે. નોંધનીય છે કે હિરેન મનસુખ (46)નો મૃતદેહ શુક્રવારે સવારે કલવા ખાડીના કિનારે રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. હિરેને બીજી માર્ચે ઉદ્ધવ ઠાકરે, અનિલ દેશમુખ અને પોલીસ કમિશનર પરમબીર સિંહને એક પત્ર લખ્યો હતો જે શનિવારે સામે આવ્યો હતો. છ પાનાંના આ પત્રમાં તેણે તેની સતામણી થઇ રહી હોવાની ફરિયાદ કરી હતી.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer