આજે મહિલાઓ કરશે ખેડૂત આંદોલનનું નેતૃત્વ

પ્રતીકાત્મક દેખાવો માટે દિલ્હી ઉમટી 40 હજાર ત્રીશક્તિ નવી દિલ્હી, તા.7 : ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને 100 દિવસ થઈ ચૂક્યા છે. ઉકેલ આવી રહ્યો નથી અને ખેડૂતો આંદોલન સમેટવા તૈયાર નથી તેવી સ્થિતીમાં હવે ત્રીશક્તિ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં ઉતરી છે.   આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા 40 હજાર મહિલાઓ ખેડૂત આંદોલનમાં સામેલ થવા દિલ્હી રવાના થઈ છે. ખેડૂત સંગઠનોએ નિર્ણય લીધો છે કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આંદોલનમાં મહિલાઓના યોગદાનના પ્રતીક રૂપે પુરૂષ પ્રદર્શન સ્થળોનું નેતૃત્વ અને વ્યવસ્થા મહિલાઓને સોંપવામાં આવશે. પંજાબ સહિત રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં મહિલા ખેડૂતો દિલ્હી પહોંચી છે.   ક્રાંતિકારી કિસાન સંઘના અવતાર સિંહે મેહમાએ કહ્યુ કે 8 માર્ચે મંચનું સંચાલન માત્ર મહિલાઓ કરશે અને ખેડૂત આંદોલનના પ્રવક્તા તરીકેની જવાબદારી પણ સંભાળશે. ઉપરાંત 8 માર્ચે પંજાબમાં ટ્રેકટર માર્ચનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ સુખદેવસિંહ કોકરીકાલને જણાવ્યું કે મહિલાઓ 600 મિનિ બસ, 115 ટ્રક-ટ્રેકટર, 200 નાના વાહનોમાં રવિવાર સવારથી રવાના થઈ છે. હજારો મહિલાઓ રવિવારે રાત સુધીમાં ટિકરી બોર્ડરે પહોંચી જશે. 8 માર્ચ બાદ મોટાભાગની મહિલાઓ ઘેર પરત ફરશે કારણ કે હાલ બાળકોની શૈક્ષણિક પરીક્ષા ચાલી રહી છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer