ઈલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશનની માહિતી માત્ર એક ક્લિક પર

ઈલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશનની માહિતી માત્ર એક ક્લિક પર

મુંબઈ, તા. 7 : પેટ્રોલ-ડીઝલના વધતા જતા દરથી ત્રાસેલા વાહનચાલકો માટે ઈલેક્ટ્રિક વાહનનો પર્યાય ઉપલબ્ધ છે. જોકે ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા અંગે શંકા હોવાથી હજી પણ ઈલેક્ટ્રિક વાહનોને જોઈએ એવો પ્રતિસાદ મળી નથી રહ્યો. એના ઉપાય તરીકે સાગર જોશી નામના મરાઠી યુવાને `અૉટો આઈ કૅર' મોબાઈલ ઍપના માધ્યમથી `એક ક્લિક પર ચાર્જિંગ સ્ટેશન'ની સંકલ્પના સાકાર કરી છે. આ ઍપ દ્વારા માત્ર એક ક્લિકથી વાહનચાલકોને નજીકના ચાર્જિંગ સ્ટેશનની માહિતી મળી રહેશે. એ સાથે જ પ્રવાસમાં ઈલેક્ટ્રિક વાહન બંધ પડે તો `ટૉપ-અપ' એટલે કે ચાર્જિંગ સ્ટેશન સુધી પહોંચવા માટે ચાર્જિંગ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. 
આ મોબાઈલ ઍપમાં મુંબઈ અને મેટ્રો શહેરના ચાર્જિંગ સ્ટેશનની માહિતીનો સમાવેશ કરાયો છે. ઍપમાં લોકેશન મુજબ વાહનચાલકોની નજીક કયું ચાર્જિંગ સ્ટેશન છે એની માહિતી મળે છે. સંબંધિત ચાર્જિંગ સ્ટેશન પર ક્લિક કરવાથી સમય, સરનામું, લૅન્ડમાર્ક વગેરે તમામ માહિતી ઉપલબ્ધ થાય છે. મુંબઈ સહિત એમએમઆર ક્ષેત્રના 2500 ચાર્જિંગ સ્ટેશનનો આ ઍપમાં સમાવેશ કરાયો છે. આ સુવિધાને વાહનચાલકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે અને ચાર્જિંગ સ્ટેશન શોધવામાં લાગતો સમય પણ બચી રહ્યો હોવાનું સાગર જોશીએ જણાવ્યું હતું.

 Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer