આજે મહારાષ્ટ્રનું અંદાજપત્ર

આજે મહારાષ્ટ્રનું અંદાજપત્ર
પેટ્રોલ અને ડીઝલ પરનો વેરો ઘટાડવામાં આવે એવી અટકળો અમારા પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રના વિધાનગૃહોમાં આવતી કાલે રજૂ થનારા નાણાકીય વર્ષ 2021-22ના અંદાજપત્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપરના વેરામાં ઘટાડો કરીને કેન્દ્રની ભાજપની સરકાર કરતાં ચઢિયાતી હોવાનું દેખાડવાનો પ્રયત્ન કરશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં છે.  આજે મંત્રાલયમાં બજેટની પૂર્વસંધ્યાએ પ્રધાનમંડળની બેઠક થઈ હતી જેમાં રાજ્યની આર્થિક હાલત સંબંધી ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.  કોરોનાને કારણે ગત નાણાકીય વર્ષમાં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ રહી હતી. તેથી રાજ્ય સરકારને કરવેરા મારફતે મળેલી આવક ઘટી છે. પેટ્રોલ-ડીઝલ ઉપર લેવાતો વેરો કેન્દ્રની ભાજપ સરકાર ઘટાડે એવી માગણી સાથે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે દેખાવો કર્યા હતા. આ મુદ્દે મહારાષ્ટ્રની શાસક મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના નેતાઓ કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરી રહ્યા છે. કેન્દ્રના નાણાપ્રધાન નિર્મળા સીતારમણે પણ રાજ્યોને પેટ્રોલ-ડીઝલ પરના વેરા ઘટાડવાનો અનુરોધ કર્યો છે. પ્રાથમિક અંદાજ અનુસાર મહારાષ્ટ્રના બજટેમાં એક લાખ કરોડ રૂપિયાની ખાધ રહેવાની શક્યતા છે. `એક દેશ, એક કર' અર્થાત્ જી.એસ.ટી. હેઠળ લગભ 25,000 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને હજી ચૂકવવાની બાકી છે.  કેન્દ્રની ભાજપ સરકાર કરતાં પોતે વધારે લોકહિતની ચિંતા કરે છે એવું દેખાડવા માટે મહાવિકાસ આઘાડી સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપરના વેરા ઘટાડે એવી સંભાવના છે. પેટ્રોલ-ડીઝલ ઉપરના વેરામાં બેથી ત્રણ રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવે એવી ધારણા છે. કોરોનાને કારણે કરવેરાની આવક ઘટાડા છતાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો વેરા ઘટાડીને આવક ગુમાવવાના બદલામાં નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નવો કયો વેરા નાખે છે કે કઈ ચીજવસ્તુ ઉપરનો વેરા વધારે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.  પેટ્રોલ-ડીઝલ ઉપરના વેરા ઘટાડવાની કેન્દ્રના નાણા પ્રધાન નિર્મળા સીતારમણની અપીલ પછી `વેટ'માં પશ્ચિમ બંગાળે લિટર દીઠ એક રૂપિયો, આસામે અને મેઘાલયે પ્રત્યેકે એક લિટર દીઠ પાંચ રૂપિયા તેમ જ રાજસ્થાને લિટર દીઠ બે રૂપિયા ઘટાડો કર્યો છે.  હાલ મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં પેટ્રોલ ઉપર 26 ટકા વેટ અને સેસ મહારાષ્ટ્રમાં 25 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે. ડીઝલ ઉપર 21 ટકા વેટ છે.  મહારાષ્ટ્રમાં પેટ્રોલ ઉપર વિવિધ ઉપકરનું પ્રમાણ 10 રૂપિયા લિટર દીઠ અને ડીઝલ ઉપર ત્રણ રૂપિયા છે. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ઈંધણ ઉપર વસૂલ કરવામાં આવતો ઉપકર રદ કરવાની ભલામણ ભારતના કેમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલે કરી છે. આમ છતાં હજી સુધી કર યથાવત છે. તેથી ઠાકરે સરકાર આ વખતે પેટ્રોલ-ડીઝલ ઉપરનો વેરો ઘટાડે એવી વકી છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer