પોરિબોરતોન બંગાળમાં નહીં કેન્દ્રમાં

પોરિબોરતોન બંગાળમાં નહીં કેન્દ્રમાં
સિલિગુડીમાં મમતાદીદીની પદયાત્રા કોલકત્તા, તા.7 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકત્તાનું બ્રિગેડ ગ્રાઉન્ડ ગજાવ્યું તો બીજીતરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી ગેસના સિલિન્ડર સાથે સિલીગુડીમાં રસ્તા ઉપર ઉતર્યા હતા. બંન્નેએ શક્તિપ્રદર્શન કરી એકબીજા પર વાકપ્રહાર કર્યા હતા.  વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ રેલી સંબોધવા વડાપ્રધાન મોદી રવિવારે કોલકત્તા પહોંચ્યા હતા. અહીં તેમણે સંબોધનમાં કહ્યું કે બંગાળ ઉન્નતિ, શાંતિ અને પ્રગતિ ઈચ્છે છે. તેમણે યુવાઓને ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન બતાવી, ચૂંટણીલક્ષી વાયદા કર્યા. સાથે બંગાળનો ઈતિહાસ ઉલ્લેખી વિપક્ષ-મમતા બેનર્જીની ઝાટકણી કાઢી હતી.   મમતા બેનર્જીએ સમાંતર મોરચો માંડતા સિલીગુડીમાં મહિલાઓ સાથે વિશાળ પદયાત્રા યોજી મોદીને સવાલ કર્યો કે મોંઘવારી અંગે કેમ કંઈ બોલી રહ્યા નથી ?  પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ કેમ વધી રહ્યા છે ? બંગાળમાં પરિવર્તન નહીં પરંતુ કેન્દ્રમાં બદલાવ આવશે, મોદીની ખુરશી જશે. પીએમ કહે છે કે બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી. તો બંગાળમાં મહિલાઓ સુરક્ષિત છે પરંતુ ગુજરાત, યુપી, ગોવા સહિત ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓની સ્થિતી ખરાબ છે.  બ્રિગેડ ગ્રાઉન્ડમાં મેગા રેલી સંબોધતા મોદીએ લેફટ અને કોંગ્રેસના ગઠબંધન પર કટાક્ષ કર્યો કે કાળા હાથ આજે ધોળા કેવી રીતે થઈ ગયા ? લેફટ જે હાથને તોડવાની વાત કરતા હતા આજે તેના જ આશીર્વાદ લઈ લીધા. મમતા બેનર્જીના શાસન સામે સવાલો ઉઠાવ્યા કે શું આજે બંગાળમાં રોજગારની સ્થિતીમાં કોઈ પરિવર્તન આવ્યું ? ઔદ્યોગિકરણમાં પરિવર્તન આવ્યું ? દાયકાઓથી ચાલી આવતી ખૂન ખરાબાની રાજનીતિમાં પરિવર્તન આવ્યું ? ડાબેરી શાસન વિરૂદ્ધ મમતાએ પરિવર્તનનો નારો આપ્યો હતો. બંગાળમાં મૉ, માટી અને માનુષ માટે કામ કરવાનું વચન આપ્યુ હતું. છેલ્લા 10 વર્ષથી ટીએમસીની સરકાર છે. શું સામાન્ય બંગાળી પરિવારના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું જેની તેમને અપેક્ષા હતી ? આજે બંગાળનું કણ કણ, વચેટિયાઓ, કાળાબજારીઓ અને કમિશ્નખોરોને હવાલે કરી દેવાયુ છે. આજે બંગાળનો માનુષ પરેશાન છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer