વર્તમાન ગ્રૉથ રૅટને જોતાં એપ્રિલ સુધીમાં ઍક્ટિવ કેસનો આંકડો બે લાખને આંબી શકે છે

મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસની સંખ્યા લગભગ એક લાખ (97,983) પર પહોંચવાની તૈયારીમાં છે. જે રીતે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એ જોતા એપ્રિલ સુધીમાં આંકડો બે લાખને આંબી જાય એવી શક્યતા છે. મુંબઈમાં ઍક્ટિવ કેસની સંખ્યા 9319 જેટલી છે.
સ્થાનિક સ્તરે અમલમાં મુકાયેલા લૉકડાઉનની ધારી અસર જોવા મળતી નથી. કારણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાહેર પરિવહન સેવા દ્વારા લોકો આવનજાવન કરતા હોય છે. સૂત્રના જણાવ્યા મુજબ કોઈ પણ નિર્ણય લેવા અગાઉ એકાદ-બે અઠવાડિયા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. કેસમાં કેમ વધારો થઈ રહ્યો છે એના કારણો જાણવા કેન્દ્રની ટીમ રાજ્યની મુલાકાતે આવી રહી છે.
છેલ્લા અઠવાડિયાના આંકડાઓ મુજબ રાજ્યની સરેરાશ કરતા 16 જિલ્લાઓમાં સૌથી વધુ પૉઝિટિવિટી રેટ જોવા મળ્યો હતો. રાજ્યમાં સરેરાશ 11 ટકા જેટલો પૉઝિટિવિટી રેટ સામે ઔરંગાબાદમાં (24 ટકા), અકોલા (23 ટકા) જેટલો રહ્યો હતો. જ્યારે પ્રધાનમંડળમાં રજૂ કરાયલા આંકડા મુજબ મુંબઈના પરાં વિસ્તારમાં પૉઝિટિવિટી રેટ 7.6 ટકા હોવાનું જણાવાયું હતું.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કોવિડ-19 અંગેની નિયમાવલીનો રાજ્યમાં સૌથી વધુ ભંગ (64 ટકા) બસસ્ટેન્ડ અને ટુરિસ્ટ સ્પૉટ ખાતે થતો હોય છે. ત્યાર બાદ રિટેલ આઉટલેટ્સ (16 ટકા) અને રેસ્ટોરન્ટ (11 ટકા), ક્લબ અને લગ્ન પ્રસંગ (6 ટકા) થતો હોય છે.
Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer