મુલુંડના પ્રોજેક્ટમાં વિલંબ થવા માટે ડેવલપમેન્ટ મૅનેજર, બિલ્ડર બંને જવાબદાર : રેરા

મુંબઈ, તા. 8: ફ્લૅટ ખરીદનારને કબજો સોંપવામાં વિલંબ થાય તો વળતર ચૂકવવા માટે બીલ્ડર સાથે ફ્લૅટના વેચાણ માટે એસ્ક્લુઝિવ કરાર કરનાર ડેવલપમેન્ટ મૅનેજર પણ જવાબદાર ગણાય કે માત્ર બીલ્ડર જ એ માટે જવાબદાર છે? આ અંગે રેરાએ 5 માર્ચે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે મુલુંડના પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે બંને જવાબદાર ગણી શકાય.
મહારેરાએ શાપુરજી પાલનજી અને નિર્મલ ડેવલપર્સની સબસિડિયરી ડેવલપમેન્ટ મૅનેજરને ચાર ફ્લૅટના ખરીદનારને  બાંધકામ અને કબજો સોંપવામાં થયેલા વિલંબ માટે 9 ટકા વ્યાજ સાથે પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો.
મહારેરાના સભ્ય બી. ડી. કાપડનિસે જણાવ્યું કે ડીએમને નિર્મલ ડેવલપર્સ સાથે પ્રોજેક્ટના પ્રમોટર ગણાવી શકાય. એ સાથે શાપુરજી પાલનજીની સબસિડિયરીને પ્રોજેક્ટના વેબ પેજ પર ત્રીસ દિવસમાં પ્રમોટર તરીકે ઉલ્લેખ કરવા જણાવ્યું હતું. મુલુંડ પશ્ચિમમાં મુંબઈ ડ્રીમ્સ - ઓલિમ્પિયા સી અને ડીમાં ચાર ફ્લૅટ ખરીદનારે મહારેરામાં અરજી કરી હતી કે બાંધકામમાં વિલંબ થઈ રહ્યો છે. એક ફરિયાદીએ બાંધકામ પૂરું કરવાની તારીખ જૂન 2019 આપી હોવાનું જણાવ્યું હતું, પરંતુ પાછળથી તારીખ બદલી ડિસેમ્બર 2024 કરવામાં આવી હતી. ખરીદનાર તરફથી ઍડવોકેટ હર્ષદ ભડભડે, અશ્વિન શાહ અને રાજેશ્વર દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ડીએમ કોઈ પણ પ્રકારના વિલંબ વિના બાંધકામ આપેલ સમયમર્યાદામાં પૂરું કરશે એમ માની ફ્લૅટનું બુકિંગ કરાવ્યું હતું.
ફ્લૅટ ખરીદનારાઓએ અત્યાર સુધીમાં દરેક ફ્લૅટ માટે વીસ લાખ રૂપિયા ચૂકવ્યા છે. તેમણે મહારેરા ઍક્ટની જોગવાઈ મુજબ પ્રોજેક્ટમાંથી નીકળી જવા માગતા હોવાથી વ્યાજ સાથે મૂળ રકમ પાછી આપવાની માગણી કરી હતી. જોકે તેમણે દલીલ કરી હતી કે કંપનીની સબસિડિયરી લ્યેક્રેટિવ પ્રોપર્ટીઝ પ્રા. લિ. માત્ર ડેવલપમેન્ટ મૅનેજર છે અને તેઓ મૅનેજમેન્ટ, પ્લાનિંગ, પ્રોજેક્ટના સુપરવિઝન માટે તેમના બ્રાન્ડ નેમનો ઉપયોગ કરતી હોવાથી એ વળતર ચૂકવવા પાત્ર નથી. નિર્મલ ડેવલપર્સના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી એલોટી નથી. કારણ તેમની સાથે વેચાણ ખત તૈયાર કરાયું ન હોવાથી કાયદા મુજબ તેમની અરજી અયોગ્ય છે. એ સાથે બીલ્ડરે જણાવ્યું હતું કે કબજો સોંપવાની તારીખે પઝેશન ન અપાયું હોય તો વળતર મેળવવા હકદાર બને છે.
Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer