અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે કહ્યું હતું કે રાજ્ય પાસે અત્યારે કોરોનાની રસીના 14 લાખ ડોઝનો જથ્થો પડ્યો છે અને આ જથ્થો માત્ર ત્રણ દિવસ ચાલે એટલો જ છે. રસીની ખેંચને કારણે અનેક રસીકેન્દ્રો બંધ કરવામાં આવી રહ્યા છે અને લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યની દર અઠવાડિયે 40 લાખ રસીના ડોઝની જરૂરિયાત છે. પહેલા અમે રોજ ચાર લાખ લોકોન રસી આપતા હતા, પણ હવે અમે રોજ પાંચ લાખ જેટલા લોકોને રસી આપીએ છે. અમે રસીનો જે જથ્થો મળી રહ્યો છે એ પૂરતો નથી. કેન્દ્રએ રોજ છ લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ રાખવા જણાવ્યું અને એનો અમે સ્વીકાર કર્યો છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી કેન્દ્ર સરકારે રસી માટે મહારાષ્ટ્રને અગ્રતાક્રમ આપવાની જરૂર છે. અત્યારે કોરોનાના જે દરદીઓ મળી રહ્યા છે એ મોટાભાગે 25થી 40 વય જૂથમાંના હોય છે. રાજ્યમાં અત્યાર સુધી 82 લાખ લોકોને રસી અપાઈ છે.
કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે રાજ્યમા કોરોના ફેલાયો છે કે કેમ એની જાણ કરવા તેમણે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલને વિનંતી કરી હતી. જો વાયરસનું નવુ સ્વરૂપ મળ્યું હોય તો એના ઉપચારની પણ જાણ કરવાની તેમણે વિનંતી કરી હતી.
અૉક્સિજનની ખેંચના મુદ્દે વાત કરતાં રાજેશ ટોપેએ કહ્યું હતું કે રાજ્યમાં રોજ 1200 મેટ્રિક ટન અૉક્સિજનનું ઉત્પાદન થાય છે અને રોજની ખપત 700 મેટ્રિક ટનની છે. આમાંથી 80 ટકા ઉપયોગ તબીબી ઉપચાર માટે થાય છે. પાડોશના રાજ્યો પાસેથી મહારાષ્ટ્રને અૉકસિજનનો પુરવઠો મળે એવી વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરવી જોઈએ.
Published on: Thu, 08 Apr 2021