એમેઝોન-ફ્યુચર્સ-રિલાયન્સ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે અટકાવી

એમેઝોન-ફ્યુચર્સ-રિલાયન્સ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે અટકાવી
નવી દિલ્હી, તા. 19 : એમેઝોન, ફ્યુચર્સ ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેસમાં દિલ્હી હાઈ કોર્ટની સિંગલ જજ તેમ જ ડિવિઝન બેન્ચ સમક્ષ વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટે આજે સ્થગિત કરી છે.
ન્યા. રોહિન્ટન નરીમાનના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ વિવાદનો આખરી ફેંસલો સર્વોચ્ચ અદાલત જ આપશે. આ કેસની હવે પછીની સુનાવણી 4 મેએ થશે.
ફ્યુચર રિટેલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના રૂા. 24,731 કરોડના સોદામાં આગળ વધતા અટકાવનારા આર્બિટ્રેશન એવૉર્ડને બહાલ રાખનારા આદેશને સ્થગિત કરનારા દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા સામે બહુરાષ્ટ્રીય ઇ-કૉમર્સ કંપની એમેઝોને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ અપીલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો છે.
22 માર્ચે દિલ્હી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ તથા ન્યા. જસમિત સિંઘની બેન્ચે ફ્યુચર કુપન્સ પ્રા.લિ., ફ્યુચર રિટેલ લિમિટેડ, કિશોર બિયાની તથા અન્ય દસ પ્રમોટરોની સંપત્તિને ટાંચ મારવાના ન્યા. જે આર મિરધાના આદેશને સ્થગિત કર્યો હતો.
એફઆરએલને તેની રિટેલ વેચાણ માટેની મિલકતો તબદીલ કરતાં અટકાવતો ચુકાદો સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરે આપ્યો છે. તેના અમલ માટે એમેઝોન આગ્રહ રાખે છે.
એમેઝોન ફ્યુચર કુપન્સ પ્રા.લિ.માં 49 ટકા હિસ્સો ધરાવે છે, જે એફઆરએલમાં 9.82 લાખ ટકા શેરહોલ્ડિંગ ધરાવે છે. એમેઝોનની દલીલ છે કે તેણે એફસીપીએલમાં રૂા. 1431 કરોડનું રોકાણ એવું સ્પષ્ટ સમજૂતીના આધારે કર્યું છે કે તેનો તમામ રિટેલ વેપાર માત્ર એફઆરએલ મારફતે જ થશે અને એફઆરએલની મિલકત એમેઝોનની સંમતિ વગર કોઈને વેચવામાં નહીં આવે અને કોઈ `િરસ્ટ્રીક્ટેડ પર્સન'ને તો ક્યારેય નહીં વેચાય.
એફઆરએલ કહે છે કે ઇમર્જન્સી આર્બિટ્રેટરનો એવૉર્ડ ભારતના આર્બિટ્રેશન એન્ડ કન્સીલિયેશન એક્ટની કલમ 17 (1) અન્વયે અપાયો નથી એટલે ભારતમાં તેનો અમલ કરાવી શકાય નહીં.
તેનું એમ પણ કહેવું છે કે રૂા. 24,731 કરોડનો આ સોદો તેના 25,000 કર્મચારીઓના ભવિષ્ય માટે મહત્ત્વનો છે. રિલાયન્સ તેની મિલકતો જ નહીં, જવાબદારીઓ પણ સંભાળી લેનાર છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer