ધવને મૅક્સવેલ પાસેથી છિનવી અૉરેન્જ કેપ

ધવને મૅક્સવેલ પાસેથી છિનવી અૉરેન્જ કેપ
ગણતરીના કલાકમા બન્યો આઇપીએલ-14મા સૌથી વધુ રન કરનારો બૅટ્સમૅન
નવી દિલ્હી, તા. 19 : દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવનનું આઈપીએલમાં શાનદાર ફોર્મ જારી છે. તેણે પંજાબ સામે 92 રનની ઇનિંગ રમી હતી. આ સીઝનમાં તેની બીજી અર્ધસદી હતી. જેના દમ ઉપર દિલ્હીએ પંજાબને છ વિકેટે હરાવી દીધું હતું. આ સાથે જ ધવન સીઝનમાં અત્યારસુધીમાં સૌથી વધારે રન બનાવાનારો બેટ્સમેન બન્યો છે. એટલે કે ઓરેન્જ કેપ તેની પાસે આવી ગઈ છે.
શિખર ધવને 62ની સરેરાશથી 186 રન કર્યા છે જ્યારે મેક્સવેલે 3 મેચમાં 58.66ની સરેરાશથી 176 રન કર્યા છે. બન્ને બેટ્સમેનનાં નામે બે - બે અર્ધસદી છે. દિલ્હી અને પંજાબ વચ્ચેનો મેચ શરૂ થતા પહેલા ઓરેન્જ કેપ મેક્સવેલ પાસે હતી. તેણે કોલકાતા સામે 78 બનાવીને કેપ મેળવી હતી. જો કે ગણતરીના કલાકમાં ધવને ઓરેન્જ કેપ છિનવી લીધી હતી. ધવન અને મેક્સવેલ બાદ સૌથી વધુ રન પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે બનાવ્યા છે. તેણે 3 મેચમાં 52.33ની સરેરાશથી 157 રન કર્યા છે. રાહુલે પણ બે અર્ધસદી કરી છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો કોહલીની કેપ્ટનશિપની આરસીબી ટોચ ઉપર છે. 
તેણે ત્રણેય મેચમાં જીત મેળવી છે અને 6 અંક છે. બીજા ક્રમાંકે દિલ્હી છે. જેના ખાતામાં 4 પોઇન્ટ છે, જ્યારે બે મેચમાં બે જીત સાથે મુંબઈ ત્રીજા ક્રમાંકે છે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer