આજે દિલ્હી અને મુંબઈ વચ્ચે ટક્કર

આજે દિલ્હી અને મુંબઈ વચ્ચે ટક્કર
ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને ગત સિઝનના રનરઅપ વચ્ચે જામશે મુકાબલો
ચૈન્નઈ, તા. 19 : ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2021માં પહેલી હાર બાદ સારી વાપસી કરી છે. ટીમ 20મી એપ્રિલે પોતાના ચોથા મુકાબલામાં ગયા વર્ષની રનરઅપ દિલ્હી સામે ટકરાશે. બન્ને ટીમે અત્યાર સુધીમાં ત્રણ ત્રણ મુકાબલા રમ્યા છે. અને તેમાંથી બે બે મેચ જીત્યા છે. દિલ્હીની ટીમ પહેલી વખત ચૈન્નઈમાં મુકાબલો રમશે. આ અગાઉ તમામ મેચ મુંબઈમાં રમ્યા હતા. જ્યારે મુંબઈ ચૈન્નઈમાં ત્રણ મેચ રમી ચૂકી છે. 
મુંબઈના કેપ્ટન રોહિત શર્માને સારી શરૂઆત મળી છે. જો કે હજી સુધી વર્તમાન સીઝનમાં અર્ધસદી કરી શક્યો નથી. ટીમ તરફથી સૂર્યકુમાર યાદવ જ અર્ધસદી કરી ચૂક્યો છે.  ચૈન્નઈની પીચ બેટિંગ માટે આસાન નથી. તેમ છતા ડિકોક, ઈશાન કિશન, પોલાર્ડ, હાર્દિક પંડયા મોટી ઈનિંગ રમવા માગશે. બુમરાહની આગેવાનીમાં મુંબઈએ સારૂ પ્રદર્શન કર્યું છે. બુમરાહ અને બોલ્ટ અંતિમ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
બીજી તરફ દિલ્હીનો ઓપનર શિખર ધવન શાનદાર ફોર્મમાં છે. બે અર્ધસદી સાથે ધવન 186 રન કરી ચૂક્યો છે. ધવન અને શોએ બે મેચમાં ટીમને ઝડપી શરૂઆત અપાવી છે. પંત પણ આક્રમક ઈનિંગ માટે જાણીતો છે. તેવામાં માર્કસ સ્ટોઈનિસ અને લલિત યાદવ પણ ખાસ પ્રદર્શન કરવા માગશે. ઝડપી બોલર કગિસો રબાડા અને ક્રિસ વોક્સ સારૂ પ્રદર્શન કરી હ્યા છે. એનરિચ નોર્ટઝે પણ ટીમ સાથે જોડાયો છે.ટીમ અશ્વિન સાથે અમિત મિશ્રાને ચૈન્નઈની પીચ ઉપર તક આપી શકે છે. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer