વાગડની બે હૉસ્પિટલોને 20 અૉક્સિજન જનરેટિંગ મશીનનું દાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત વાગડ વેલ્ફેર હૉસ્પિટલ - ભચાઉ અને રાપરની સુશ્રુષા હૉસ્પિટલ માટે દસ-દસ અૉક્સિજન જનરેટિંગ મશીન મોકલવામાં આવશે. કોરોના મહામારીમાં આ મશીન ઘણાં ઉપયોગી થશે.
આ માહિતી આપતાં વાગડ વેલ્ફેર હૉસ્પિટલ - ભચાઉના મૅનેજિંગ ટ્રસ્ટી તલકશીભાઈ નંદુએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીનો વ્યાપ ખૂબ વધ્યો છે. દરદીમાં અૉક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી ઘાતક નીવડે છે. આ મશીનો માટે દાતાઓ પાસે પહેલ નાખતા એક દિવસમાં જ 20 મશીનો માટેનો ફાળો એકઠો થઈ ગયો હતો. મધ્યમ વર્ગના દરદીને પરવડે એવા દરે સેવા મળી શકશે.
તલકશીભાઈએ જણાવ્યું કે વાગડ વિસ્તારમાં કોરોના કાળમાં લોકોનું આરોગ્ય રક્ષવા સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે, પણ દરદીને હૉસ્પિટલમાં બેડ ન મળે તો આવા અૉક્સિજન મશીનો ઘેરબેઠાં વાજબી દરે વાપરવા દેવાય તો લોકોને સમયસર સારવાર મળી શકે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer