રેમડેસિવિરની ફાળવણી દરદીઓની સંખ્યા પ્રમાણે થવી જોઈએ : હાઈ કોર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બૅન્ચે સોમવારે કહ્યું હતું કે કોરોનાની બીમારી સામેના રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ જરૂરીયાત પ્રમાણે થવું જોઈએ. બૅન્ચે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને વિવિધ રાજ્યો અને જિલ્લાઓને આ ઈન્જેકશની ફાળવણીમાં કયા માપદંડો લાગુ કરાયા છે એનો હિસાબ આપવા જણાવ્યું હતું. બૅન્ચે એમપણ કહ્યું હતું દેશના કુલ કોરોનાગ્રસ્તોમાં 40 ટકા કોરોનાગ્રસ્તોનો ફાળો જો મહારાષ્ટ્રનો હોય તો મહારાષ્ટ્રને 40 ટકા રેમડેસિવિરનો હિસ્સો મળવો જોઈએ. ફાળવણી જરૂરિયાત પ્રમાણે થવી જોઈએ અને બીજા પાસાંને એ સાથે કોઈ સંબંધ નથી. 
બૅન્ચે 21 એપ્રિલ સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને સોગંદનામું ફાઈલ કરવાની સૂચના આપી હતી. એમાં ઈન્જેકશનના વાયલ્સની ફાળવણીના માપદંડ શું છે એ જણાવવાનું હાઈ કોર્ટે જણાવ્યું છે.  કોરોનાની મહામારી, હૉસ્પિટલોમાં સવલતોનો અભાવ અને લોકોને પડતી તકલીફો વિશેની અમુક અરજીઓની હાઈ કોર્ટે સોમવારે સુનાવણી કરી હતી અને એ દરમિયાન ઉક્ત આદેશ આપ્યો હતો. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer