મહારાષ્ટ્રમાં આવનારાઓ પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી

ઠાકરે સરકારે ગુજરાત સહિત છ રાજ્યોને કોરોના સેન્સિટિવ ગણાવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : કોરોનાના કેસોમાં આવેલા ભારે ઉછાળને કમી કરવા મહારાષ્ટ્ર સરકારે દિલ્હી અને એનસીઆર (નેશનલ કેપિટલ રિજન) સહિત છ રાજ્યોને સેન્સિટિવ ઓરિજીન જાહેર કર્યા છે. 
આ છ રાજ્યોમાં કેરળ, ગોવા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી અને એનસીઆરનો સમાવેશ છે. આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવનારા લોકો પાસે આરટી-પીસીઆર ટેસ્ટોનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. ટ્રેન મુસાફરી શરૂ થાય એના 48 કલાક પહેલાનો આ રિપોર્ટ હોવો જોઈશે. 
કોરોનાના પ્રકોપને ડામવા અને બીજાં રાજ્યામાંથી આવતા ચેપના નવા સ્વરૂપને રોકવા આ આદેશ રવિવારે બહાર પાડવામાં આવ્યો હતો. આ છ રાજ્યોના પ્રવાસી માટે સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર પણ બહાર પાડવામાં આવી છે. 
આ રાજ્યોમાંથી આવતી લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓની માહિતી રેલવેએ સ્થાનિક ડિઝેસ્ટર મૅનેજમેન્ટને આપવી પડશે. ટ્રેન છૂટવાની હોય કે આવવાની હોય એના ચાર કલાક પહેલાં આ માહિતી શેર કરવી પડશે. આ રાજ્યોમાંથી કોઈને અન-રિઝર્વ્ડ ટિકિટ આપવામાં નહીં આવે. દરેક પ્રવાસીઓનું તાપમાન ચકાસવા થર્મલ ક્રાનિંગ કરાશે. જે પ્રવાસી પાસે આરટીપીસીઆરનો નગેટિવ રિપોર્ટ નહીં હોય તેમની સ્ટેશન પર રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવી પડશે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer