મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન અંગે બે દિવસમાં નિર્ણયની શક્યતા

મુંબઈ, તા. 19 (પી.ટી.આઈ.): રાજ્યમાં 30 એપ્રિલ સુધી કડક પ્રતિબંધો અમલમાં મુકાયા હોવા છતાં કોરોના નિયંત્રણમાં આવ્યો હોય એવું જણાતું નથી. રોજેરોજ દરદીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટિવારે રાજ્યમાં ફરી લૉકડાઉન અમલમાં મૂકવા અંગેના સંકેત આપ્યા છે.
મુખ્ય પ્રધાન એક-બે દિવસમાં નિર્ણય લેશે એમ તેમણે મુંબઈ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. દિલ્હીમાં પણ છ દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં કેવા પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તેનો અભ્યાસ કર્યા બાદ અમે નિર્ણય લેશું.
કર્ફ્યુ મૂકવા છતાં એની ખાસ અસર જોવા મળતી નથી. આપણે લૉકડાઉન જાહેર કર્યું નથી. અનેક વેપારીઓ લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા હતા, પણ હવે વેપારીઓ અને જીવનાવશ્યક વસ્તુઓના તેમ જ નાની દુકાન ધરાવનારા પણ પૂર્ણ લૉકડાઉનની માગણી કરી રહ્યા છે. અનેક જિલ્લામાં પણ લોકો માગણી કરી રહ્યા છે. આ તમામ જાણકારી અમે મુખ્ય પ્રધાનને આપી છે. બે દિવસમાં કડક લૉકડાઉન અંગે નિર્ણય લેવાય એવી શક્યતા છે. 

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer