ઉત્તર પ્રદેશનાં પાંચ શહેરોમાં એક સપ્તાહનો લૉકડાઉન લાદવા હાઈ કોર્ટનો આદેશ

અલાહાબાદ, તા. 19 (પીટીઆઈ) : કોરોના વાયરસના કેસોમાં ઉછાળની વચ્ચે લકનઊ, અલાહાબાદ, કાનપુર નગર, વારાણસી અને ગોરખપુરમાં એક સપ્તાહનો લૉકડાઉન લાદવાનો ઉત્તર પ્રદેશ સરકારને અલાહાબાદ હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.
જોકે, હાઈ કોર્ટના આદેશ સામે પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું હતું કે હાલ શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન નહીં લદાય.
રાજ્યમાં ક્વૉરેન્ટિન સેન્ટરો તથા કોરોનાના દરદીઓની સારવારની હાલત અંગે નોંધાવાયેલી એક જનહિત અરજી પર હાઈ કોર્ટે ઉપરોક્ત આદેશ પસાર કર્યો હતો.
ન્યાયાધીશો સિદ્ધાર્થ વર્મા અને અજિતકુમારને સમાવતી ખંડપીઠે એવું નિરીક્ષણ કર્યું હતું કે અમારો એવો સુવિચારિત અભિપ્રાય છે કે, હાલના સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, જો લોકોને પ્રથમ દાખલામાં એક સપ્તાહ માટે તેમનાં ઘરોની બહાર જતાં રોકવામાં આવે તો કોવિડના ચેપને તોડી શકાય અને આથી ફ્રન્ટલાઇન મેડિકલ અને હેલ્થ વર્કર્સને પણ અમુક રાહત સાંપડશે.
નાણાકીય સંસ્થાઓ અને વિભાગો, તબીબી અને સ્વાસ્થ્ય સેવાઓ, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક સંસ્થાનો, સુધરાઈની કામગીરીઓ સહિતની આવશ્યક સેવાઓ તથા જાહેર પરિવહન સિવાયના તમામ સંસ્થાનો પછી તે સરકારી હોય કે ખાનગી, 26 એપ્રિલ, 2021 સુધી બંધ રહેશે. જોકે, ન્યાયતંત્ર તેની પોતાની મુનસફી મુજબ કામગીરી બજાવશે.

Published on: Tue, 20 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer